Gandhinagar News: આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા 2027ની ચૂંટણી આવી રહી છે, જેની તૈયારી ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી આરંભી દીધી છે. ભાજપે સંગઠનાત્મક કામગીરી વહેંચવા ચાર મહામંત્રીઓને જવાબદારી સોંપી ગુજરાતના ચાર ઝોનની ફાળવણી કરી દીધી છે.
ભાજપે ઝોન વાઈઝ નિયુક્ત કર્યા પ્રભારી
વિધાનસભા 2027ની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી છે. જેમાં પ્રશાંત કોરાટને સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રભારી, અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્રના પ્રભારી, અજય બ્રહ્મભટ્ટને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના પ્રભારી અને હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી નિયુક્ત કર્યા છે.
પ્રશાંત કોટકને દક્ષિણ ગુજરાતની જવાબદારી
મહામંત્રી પ્રશાંત કોટકને સુરત સહિત દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના જેતપુર તાલુકાના છે, અને તેમના માતા-પિતા અગાઉ ભાજપની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. પ્રશાંત કોટક અગાઉ યુવા મોરચામાં પ્રદેશ પ્રમુખ હતા. નોંધનીય છે કે, સુરત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના સ્થળાંતરીત નાગરિકો છે, તથા અહીં મુખ્યત્વે લેઉવા પાટીદારોનો પ્રભાવ રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં અનિરુદ્ધ દવે, મધ્ય ગુજરાતમાં હિતેન્દ્રસિંહ ચૌહાણ
સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે માંડવીના ધારાસભ્ય અને સંગઠન મહામંત્રી અનિરુદ્ધ દવેને નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી તરીકે ખેડાના અજય બ્રહ્મભટ્ટને તથા મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી તરીકે સુરેન્દ્રનગરના હિતેન્દ્રસિંહ ચૌહાણને નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપે સંગઠનાત્મક કામગીરી તેજ કરી
નોંધનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપમાં 10 ઉપાધ્યક્ષ નીમ્યા છે. જેમાં એક સાંસદ, બે પૂર્વ સાંસદ અને બે ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મંત્રીઓ, કોષાધ્યક્ષ, સહકોષાધ્યક્ષ, પ્રવક્તા અને વિવિધ મોરચાના પ્રમુખ સહિતના પદાધિકારીઓની નિયુક્તિ કરી હતી.
