Gandhinagar News:રાજ્યભરમાં મતદારો માટે તા.27 અને 28 ડિસેમ્બરના રોજ યોજાયેલા ખાસ કેમ્પને બહોળો પ્રતિસાદ

તા. 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદારોની સુલભતા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 29 Dec 2025 11:36 PM (IST)Updated: Mon 29 Dec 2025 11:36 PM (IST)
huge-response-to-special-camps-held-for-voters-across-the-state-on-december-27th-and-28th-664343

Gandhinagar News:ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.

આ દરમિયાન તા. 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદારોની સુલભતા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપસ્થિત સ્ટાફે નાગરિકોને નવા મતદાર તરીકે જોડાવવા માટે ફોર્મ નં 6, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નં 7 અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફોર્મ નં 8 ભરવામાં મદદ કરી હતી.

આ બંને દિવસો દરમિયાન લગભગ 10 લાખ લોકોએ કેમ્પની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં તા. 27 ડિસેમ્બરે આ ખાસ કેમ્પ અંતર્ગત કુલ 1.22 લાખથી વધુ જ્યારે તા. 28 ડિસેમ્બરના રોજ 1.74 લાખથી વધુ ફોર્મ (ફોર્મ નં 6, 6એ, 7, 8) ચૂંટણી સ્ટાફને મળ્યા છે. આમ, બે દિવસ દરમિયાન કુલ 2.96 લાખથી વધુ ફોર્મ ચૂંટણી સ્ટાફને મળ્યા છે. તદુપરાંત અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાંથી કેમ્પના દિવસો અને તે સિવાયના દિવસોના કુલ 3.98 લાખ ફોર્મ મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા આ ફોર્મની ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.