ગુજરાત વિધાનસભા સત્રઃ તેલના ભાવ અને લમ્પી વાયરસને લઇને ગૃહમાં હોબાળો, 10 ધારાસભ્યો સસ્પેન્ડ

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 22 Sep 2022 02:44 PM (IST)Updated: Fri 23 Sep 2022 10:23 AM (IST)
gujarat-assembly-session-last-day-congress-walkout-over-lampi-virus-issue

ગાંધીનગર.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(gujarat assembly election 2022) પૂર્વે 14મી વિધાનસભાનું બે દિવસનું છેલ્લુ સત્ર બોલાવાયું છે. જેના બીજા અને અંતિમ દિવસે પણ વિપક્ષ દ્વારા ગૃહમાં હંગામો મચાવવામાં આવ્યો હતો. લમ્પી વાયરસને લઇને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે ગૃહમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે અને ઓબીસી 27 ટકા અનામતના મુદ્દાને લઈને હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યે વિરોધ દર્શાવતા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. જીજ્ઞેશ મેવાણી સહિત 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઓબીસી અનામતને લઈને કોંગ્રેસનો ગૃહમાં હોબાળો
કોંગ્રેસે ગૃહમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે અને ઓબીસી 27 ટકા અનામતના મુદ્દાને લઈને હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યે વિરોધ દર્શાવતા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે કે સાંપ્રત ભાજપ સરકારે રાજ્યમાંથી ઓબીસી અનામત હટાવી દીધું છે. સરકાર ઓબીસી અનામત બાબતે ચર્ચા કરવા માટે તૈયાર થઈ. જેથી આજે ગૃહમાં ચર્ચાની માગણી કરી હતી જ્યાં સત્તાપક્ષ ચર્ચા કરવાનું ના પાડતા ગૃહમાંથી વોક આઉટ કરવામાં આવ્યું છે.

બજેટમાં પણ ઓબીસી સાથે અન્યાય
આ અંગે ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે, રાજ્યમાં 52 ટકા વસ્તી ઓબીસી છે. અમારી માંગણી છે કે, સરકાર ન્યાતી આધારિત વસ્તી ગણતરી કરે. રાજ્ય સરકારે ઓબીસી જ્ઞાતિ સાથે હમેંશા અન્યાય કર્યો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી 10 ટકા અનામત હતું તે પણ સરકારે હટાવી લીધું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર જે બજેટની ફાળવણી કરે છે, તેમાં પણ ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે. સરકાર વસ્તી આધારે બજેટની ફાળવણી કરતી નથી.

52 ટકા બક્ષીપંચની વસ્તી
રાજ્યમાં 52 ટકા બક્ષીપંચની વસ્તી છે જેમાં 7 ટકા દલિતની વસ્તી છે, 14 ટકા આદિવાસી વસ્તી, 9 ટકા લઘુમતીની વસ્તી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, તમામ જ્ઞાતિના નિગમ છે છતાં તેમાં સહાયની નજીવી રકમ ફાળવવામાં આવે છે. બક્ષીપંચમાં રાજ્યની 146 જ્ઞાતિનો સમાવેશ થયો છે. પણ રાજ્ય સરકાર અનામત આપવામાં ભેદભાવ દર્શાવી રહી છે.

27 ટકા અનામતની માગણી
કોંગ્રેસે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ સાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં કલેકટર, ડીડીઓ, મામલતદાર અને તલાટી વસ્તી ગણતરીના ખોટા આંકડા રજૂ કરી રહ્યા છે. રાજ્યમાં ઓબીસીને 27 ટકા અનામત મળવું જોઈએ.સ્થાનિક સ્વરાજમાં પણ ઓબીસીને 27 ટકા અનામત મળવું જોઈએ એવી માગણી કરવામાં આવી હતી. સાથે સાથે રાજ્ય સરકાર ઓબીસી અનામત બાબતે કોઈ નિર્ણય નહી લે તો આગામી સમયમાં કોંગ્રેસ રોડ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી.

કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા
વિધાનસભાના છેલ્લા સત્રનો અંતિમ દિવસ પણ હોબાળાભર્યો રહ્યો છે. સત્ર શરૂ થયા બાદ કોંગ્રેસ દ્વારા લમ્પી વાયરસ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરવા માટે સમય માગ્યો હતો પરંતુ સમય ફાળવવામાં ન આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલ તરફ આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

તેલના ભાવ મુદ્દે વિપક્ષના આક્ષેપ
વિધાનસભા ગૃહમાં તેલ બાબતે ધારાસભ્ય પરેશ ધાનાણીએ ચર્ચા કરી હતી. જેમાં તેલના ભાવને અંકુશમાં લેવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા. તેલના ભાવ જે રીતે વધી રહ્યાં છે, તેને લઇને ગરીબ લોકોની મુશ્કેલી વધી છે. મોંઘવારીમાં જનતા પીસાતી જાય છે. ધારાસભ્યે તેલના ભાવ પણ રજૂ કર્યા હતા. લોકોએ ભોજન તેલમાં બનાવવું કે પાણીમાં તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.

વિપક્ષના આક્ષેપનો સરકારે આપ્યો જવાબ
કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી નરેશ પટેલે તેલના ભાવને લઇને વિગતો રજૂ કરી હતી. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને પામોલિન તેલની આયાત બંધ કરી તેની ભારતીય બજારો પર શું અસર વર્તાઇ તેની પણ વિગતો રજૂ કરી હતી. સરકારે મગફળી ખરીદી અને તેનું વેચાણ નિયત ભાવે કરવામાં આવે છે તેવી વિગતો પણ મંત્રીએ ગૃહમાં રજૂ કરી હતી.

લમ્પી વાયરસ અંગે રજૂઆત
બીજી તરફ લમ્પી વાયરસને લઇને કોંગ્રેસના ધારસભ્ય પૂંજાભાઈ વંશે ગૃહમાં રજૂઆત કરી હતી. લમ્પી વાયરસને લઈને સરકાર કામગીરી કરવામાં નિષફળ નીવડી હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે, કૃષિ મંત્રીએ લમ્પી વાયરસથી ગૌ સારવાર માટે જે પગલાં ભર્યા તેની વિગત રજૂ કરી હતી. રાજ્યમાં લમ્પી વાયરસની વેસ્કિન, મેડિકલ ટીમ, આગોતરા આયોજન અંગેની માહિતી કૃષિ મંત્રીએ રજૂ કરી હતી.

ગઇકાલે પણ મચ્યો હતો હોબાળો
ગઇકાલે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે પણ કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ આંદોલનને કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. 12 જેટલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસે વોક આઉટ કરવામાં આવ્યું હતું.