Gandhinagar News: રાજ્યમાં આગામી તા. 8 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન 15મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરી સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,તા. 8 મી ના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ 9 અને 10 ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત 5(પાંચ) વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.
વિધાનસભાના સાતમાં સત્રમાં આ પાંચ વિધેયક રજૂ કરાશે
વધુ વિગતોમાં તેમણે કહ્યું કે, સત્ર દરમિયાન કુલ પાંચ વિધેયક રજૂ કરાશે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક’, 2025 તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025’ રજૂ કરવામાં આવશે.
કારખાના (ગુજરાત સુધારા) વિધેયક રજૂ કરાશે
વિધેયકની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારની વધુ તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે કામદારો માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આવશ્યક લાભો-સુરક્ષાના પગલાંઓ સબંધી કાયદાકીય જોગવાઈઓ કરીને કામના કલાકોમાં સુધારા લાવવા માટે પગલાં લેવા જરૂરી હોઇ વટહુકમ લાવવામાં આવ્યો હતો. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’ રજૂ કરવામાં આવશે.
ગુજરાત GST (દ્વીતીય સુધારા) વિધેયક રજૂ કરાશે
વધુમાં, પ્રવક્તા મંત્રીએ કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act) ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા આ વિધેયક લાવવામાં આવશે.
ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક રજૂ કરાશે
આ ઉપરાંત ઉદ્યોગોમાં વ્યવસાય પ્રક્રિયાના પુનઃનિર્માણને પ્રોત્સાહન મળે અને લોકોના જીવનની સરળતામાં સુધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર કાનુની નિયમનોને સરળ બનાવવા, ડિજિટાઇઝેશન અને તર્કસંગત બનાવવા જેવા શ્રેણીબદ્ધ પગલાં લેવા માટે તત્પર છે. જે અંતર્ગત સરકાર સરકાર જીવન અને વ્યવસાયોને સરળ બનાવવા અને કોર્ટ પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025’ રજૂ કરશે.
‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેય રજૂ કરાશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યમાં આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરોની પ્રેક્ટિસ-નોંધણીની નિયમનકારી સંસ્થાને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ ફોર આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવશે. જેથી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963માં 'બોર્ડ' શબ્દને બદલે 'કાઉન્સિલ' શબ્દનો ઉપયોગ કરીને યોગ્ય સુધારા લાવવા જરૂરી છે. જેના ભાગરૂપે ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025’ લાવવામાં આવશે.
ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક રજૂ કરાશે
તદુપરાંત રાજ્ય સરકારે રાજ્યમાં ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી અને નિયમન માટે ગુજરાત ક્લિનિકલ સ્થાપના (નોંધણી અને નિયમન) અધિનિયમ, 2021 લાગુ કર્યો છે. રાજ્યભરમાં આ કાયદાનો અસરકારક અમલ થાય તે માટે કાયદા દ્વારા ફરજિયાત નોંધણી માટે ક્લિનિકલ સંસ્થાઓને વધુ વ્યાજબી સમય પૂરો પાડવો જરૂરી માનવામાં આવે છે. જે અંતર્ગત ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025’ રજૂ કરવામાં આવશે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.