દિવાળી અને નવા વર્ષમાં ગુજરાતમાં વધી 108 ઇમરજન્સી સેવા, જાણો કયા દિવસે નોંધાઈ સૌથી વધુ કેસો?

દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ દરમિયાન ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાઓમાં મોટો વધારો નોંધાયો. જાણો અકસ્માત, દાજવાના અને ઇમરજન્સી કેસોના તાજા આંકડા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 12 Nov 2026 06:30 PM (IST)Updated: Thu, 12 Nov 2026 06:46 PM (IST)
gujarat-108-emergency-calls-soar-during-diwali-new-year

Gujarat 108 Emergency Data: તહેવારોની મોસમમાં જ્યાં સમગ્ર ગુજરાત ખુશીઓ અને ઉત્સાહમાં ડૂબેલું હતું, ત્યારે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS)ની ટીમ નાગરિકોની સુરક્ષા અને આરોગ્ય માટે સતત ખડેપગે રહી હતી. અગાઉથી કરવામાં આવેલું ઝીણવટભર્યું આયોજન અને ઉત્તમ ફિલ્ડ સંકલનના કારણે 108ની ટીમે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના દિવસોમાં સર્જાયેલી ઇમરજન્સી સ્થિતિને અત્યંત કુશળતાપૂર્વક સંભાળી હતી. સામાન્ય દિવસોની સરખામણીએ આ તહેવારો દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

સામાન્ય દિવસો વર્સિસ તહેવારોના દિવસો

સામાન્ય દિવસોમાં 108 ઇમરજન્સી સેવા પર રોજની સરેરાશ આશરે 5,248 ઇમરજન્સી નોંધાતી હોય છે. પરંતુ તહેવારોના ખાસ દિવસોમાં આ આંકડો ભારે ઊંચે ગયો હતો.

દિવાળી (8 નવેમ્બર '26): આ દિવસે કુલ 5,934 ઇમરજન્સી નોંધાઈ હતી, જે સામાન્ય દિવસો કરતાં 13.07% નો વધારો દર્શાવે છે.

નવું વર્ષ (10 નવેમ્બર '26): નવું વર્ષ સૌથી વ્યસ્ત રહ્યું હતું, જેમાં 6,595 ઇમરજન્સી હેન્ડલ કરવામાં આવી હતી, જે સામાન્ય દિવસોની તુલનામાં પૂરા 25.67%નો ઉછાળો બતાવે છે.

ભાઈબીજ (11 નવેમ્બર '26): ભાઈબીજના દિવસે 5,984 ઇમરજન્સી કેસો નોંધાયા હતા, જેમાં 14.02%નો વધારો થયો હતો.

વાહન અકસ્માતો અને ટ્રોમા કેસ

તહેવારો દરમિયાન વધેલી અવરજવર અને વાહનોની ભીડને કારણે રોડ અકસ્માતો અને ટ્રોમાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો હતો-

વાહન અકસ્માતો

દિવાળીના દિવસે સામાન્ય 646 કેસો સામે 87.62%ના વધારા સાથે 1,212 અકસ્માતો નોંધાયા હતા. નવા વર્ષના દિવસે આ આંકડો વધીને 1,541 (138.54%નો તોતિંગ વધારો) અને ભાઈબીજે 1,032 (59.75%નો વધારો) પર પહોંચ્યો હતો. જેમાં સૌથી વધુ કેસો ટુ-વ્હીલર અકસ્માતના હતા.

બિન-વાહન ટ્રોમા

અકસ્માત સિવાયની ઈજાઓ જેવી કે ઊંચાઈ પરથી પડવું વગેરેમાં દિવાળીના દિવસે 75.29%નો વધારો (1,043 કેસ) થયો હતો, જ્યારે નવા વર્ષે 938 અને ભાઈબીજે 724 કેસો નોંધાયા હતા.

શારીરિક હુમલા અને દાજવાની ઈજાઓ 

ઉજવણી દરમિયાન ઉત્સાહ અતિશય વધી જતાં અથવા અનેક કારણોસર ઘર્ષણ થવાથી મારામારી અને ફટાકડા કે અન્ય કારણોસર દાઝવાના બનાવો પણ સામે આવ્યા હતા:

શારીરિક હુમલાના કેસો

સામાન્ય દિવસોના 204 કેસોની સરખામણીએ દિવાળીના દિવસે હુમલાના કેસોમાં સીધો 149.02%નો ભયજનક ઉછાળો જોવા મળ્યો હતો અને 508 કેસો નોંધાયા હતા.

નવા વર્ષના દિવસે 481 કેસો (135.78% વધારો) અને ભાઈબીજે 333 કેસો નોંધાયા હતા. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આ કેસોનું પ્રમાણ વિશેષ રહ્યું હતું.

દાજવાની ઘટનાઓ

સામાન્ય દિવસોમાં રોજ સરેરાશ 11 બર્ન ઈજાના કેસ હોય છે, જે દિવાળીના દિવસે વધીને સીધા 62 પર પહોંચ્યા હતા (જેમાં અમદાવાદ અને સુરત અગ્રેસર હતા). નવા વર્ષે 26 અને ભાઈબીજે 21 બર્ન ઇમરજન્સી નોંધાઈ હતી.

જિલ્લાવાર વિશ્લેષણ

કયા વિસ્તારોમાં સૌથી વધુ કેસ નોંધાયા?

મહાનગરોઃ દિવાળીના દિવસે મેટ્રો શહેરોમાં સુરત (10.91%) અને રાજકોટ (6.76%) આગળ રહ્યા હતા.

નવા વર્ષના દિવસે વડોદરા (25.67%), રાજકોટ (21.71%) અને અમદાવાદ (13.52%)માં મોટો ઉછાળો દેખાયો હતો. ભાઈબીજના દિવસે રાજકોટ (14.59%), વડોદરા (9.58%) અને અમદાવાદ (7.89%)માં લોકોની અવરજવર વધુ રહી હતી.

અન્ય જિલ્લાઓ

દિવાળી અને નવા વર્ષ દરમિયાન ભરૂચ, ભાવનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં 25% કે તેથી વધુનો સ્પાઇક જોવા મળ્યો હતો.

ભાઈબીજ પર સુરેન્દ્રનગર (70.24%), બોટાદ (63.41%), દાહોદ અને નર્મદા (બંને 50.00%) તેમજ મોરબી (39.78%)માં ઇમરજન્સી કોલ્સનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઊંચું રહ્યું હતું.

naidunia_image

naidunia_image

અન્ય મુખ્ય બીમારીઓ અને ઇમરજન્સી ટ્રેન્ડ્સ

ડેટા મુજબ ગર્ભાવસ્થા સંબંધિત કેસો ત્રણેય દિવસોમાં સામાન્ય કરતાં થોડા ઓછા (-3% થી -5%) નોંધાયા હતા. જ્યારે પેટના દુખાવા, શ્વાસની તકલીફ, ઝેરની અસર (Poisoning) અને અજ્ઞાત સમસ્યાઓ જેવા અન્ય મેડિકલ કારણોસર પણ હજારો દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

આ સમગ્ર સફળ કામગીરી પાછળ 108ના ફિલ્ડ સુપરવાઇઝર્સ, ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસર્સ અને સપોર્ટ સ્ટાફની સચોટ ટીમવર્ક તથા સતત એલર્ટ રહેવાની ભાવના મુખ્ય કારણ રહી હતી, જેના લીધે ગુજરાતના નાગરિકોને તહેવારોમાં અવિરત અને ઝડપી તબીબી સહાય મળી રહી હતી.