Gandhinagar News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને દિવાળીના પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશ, અન્યાય પર ન્યાય અને નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજયનું પ્રતિક છે.
રાજ્યપાલએ કહ્યું કે, દિવાળીનો તહેવાર આપણને એ સંદેશ આપે છે કે જ્યારે આપણે પોતાના અંતઃકરણમાં સત્ય, સદાચાર અને આત્મબળનો દીપ પ્રજ્વલિત કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં આશા, સમૃદ્ધિ અને શાંતિનો પ્રકાશ ફેલાય છે.
આ પાવન પ્રસંગે તેમણે સૌને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવાની અપીલ કરતાં જણાવ્યું કે, જ્યારે આપણે આપણા દેશમાં નિર્મિત વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે ન માત્ર આપણા કારીગરો, ખેડુતો અને ઉદ્યોગકારોને સશક્ત બનાવીએ છીએ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને પણ સાકાર કરીએ છીએ.
આ પણ વાંચો
રાજ્યપાલએ ઉમેર્યું કે, આપણી સંસ્કૃતિ હંમેશાં ‘વસુધૈવ કુટુંબકમ્’ના આદર્શો પર આધારિત રહી છે, એટલે કે સમગ્ર માનવજાત એક પરિવાર છે. આ જ ભાવનાથી પ્રેરિત થઈને આપણે પર્યાવરણનું સંરક્ષણ, પ્રાકૃતિક સંસાધનોનું સમ્માન અને પ્રાકૃતિક ખેતી જેવા ટકાઉ જીવનમૂલ્યોનો સ્વીકાર કરીને એક ઉજ્જવળ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ભાગીદાર બનીએ.
રાજ્યપાલએ આ દિપાવલી સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવે તેવી શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે, ભારત માતા સૌ પર પોતાની કૃપા વરસાવે અને આપણો દેશ સતત વિકાસના માર્ગ પર અગ્રેસર રહે.