GMC Election 2026: સ્ટેટ ઈલેક્શન કમિશન દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત 11 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જ્યારે 13 સપ્ટેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
આ અંગે ગુજરાતના ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણ દ્વારા ગાંધીનગર મનપાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર આગામી 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન યોજાશે. જ્યારે 13 ઓક્ટોબર, 2026ના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
ગાંધીનગર મનપામાં મતદાન માટે આ વખતે કુલ 195 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં 2.59 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મનપાની કુલ બેઠકો પૈકી 50 ટકા એટલે કે 22 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
આ ઉપરાંત 12 બેઠકો OBC, 5 SC, 1 ST અને 13 બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી છે. મનપા ચૂંટણી સંદર્ભે 21 સપ્ટેમ્બરે નોટિફિકેશન જારી થશે અને 26 સપ્ટેમ્બરે ફોર્મ ભરવામાં આવશે. જ્યારે 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે.
અગાઉ 2021માં ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 56.11 ટકા મતદાન નોંધાયું હતુ. તે વખતે મનપાની કુલ 44 પૈકી 41 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે કોંગ્રેસના ફાળે 1 તેમજ આમ આદમી પાર્ટીને માત્ર 1 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો.
