વડોદરાના બેંક મેનેજર સાઈબર ફ્રોડનો ભોગ બન્યાઃ ગઠિયાઓએ નાણામંત્રીનો ડીપ ફેક વીડિયો બતાવી રોકાણના બહાને રૂ. 12.80 લાખનું ફુલેકું ફેરવ્યું

શરૂઆતમાં રૂ. 25,000 ટ્રાન્સફર કરાવ્યા બાદ, ઠગોએ ‘સાઉદી અરેબિયાના કથિત પ્રિન્સ’ સાથે કોન્ફરન્સ કોલ પર વાત કરાવી સાઉદીમાં ક્રૂડ ઓઇલના વૈશ્વિક રોકાણ ક્ષેત્રે અપ્રતિમ નફાની લાલચ આપી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Sep 2026 05:18 PM (IST)Updated: Wed, 16 Sep 2026 05:18 PM (IST)
vadodara-news-bank-manager-duped-of-rs-1280-lakh-in-deepfake-scam-promising-high-returns


Vadodara: વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં રહેતા અને 18 વર્ષથી ખાનગી બેંકમાં મદદનીશ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે તૈયાર કરાયેલા ફેક વીડિયોના આધારે આચરવામાં આવેલા આ ડિજિટલ ફ્રોડમાં બેંક અધિકારીએ 12.80 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

હકીકતમાં ગત 15 ફેબ્રુઆરીના રોજ કર્મચારી સોશિયલ મીડિયા પર સક્રિય હતા, ત્યારે એક ન્યૂઝ ચેનલના માધ્યમથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની તસવીર અને અવાજ ધરાવતી એક સ્પોન્સર્ડ લિંક નજરે પડી હતી.

આ જાહેરાતમાં ‘ક્વોન્ટમ AI’ સિસ્ટમમાં માત્ર 22 હજાર રૂપિયાનું પ્રાથમિક ભંડોળ રોકવાથી દૈનિક 75 હજાર રૂપિયાથી લઈને માસિક લાખો રૂપિયાની માતબર કમાણી થવાનો દાવો કરાયો હતો. આ આકર્ષક યોજનાથી પ્રભાવિત થઈને તેમણે પોતાની અંગત વિગતો ઓનલાઈન ફોર્મમાં દાખલ કરી હતી.

જે બાદ 17 ફેબ્રુઆરીએ અલી નામના ગઠિયાએ એપ્લિકેશન કોલ અને ટેલિગ્રામના માધ્યમથી તેમનો સંપર્ક સાધ્યો હતો. શરૂઆતમાં રૂ. 25,000 ટ્રાન્સફર કરાવ્યા બાદ, ઠગોએ ‘સાઉદી અરેબિયાના કથિત પ્રિન્સ’ સાથે કોન્ફરન્સ કોલ પર વાત કરાવી સાઉદીમાં ક્રૂડ ઓઇલના વૈશ્વિક રોકાણ ક્ષેત્રે અપ્રતિમ નફાની લાલચ આપી હતી.

યુદ્ધની સ્થિતિના કારણે ક્રૂડના ભાવ વધવાની વાત કરી 17 ફેબ્રુઆરીથી 8 જૂન સુધીમાં તબક્કાવાર જુદા જુદા બેંક એકાઉન્ટ્સમાં રૂ. 10.25 લાખ જમા કરાવ્યા હતા. આ ઉપરાંત પીડિતના ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂ. 2.55 લાખથી વધુની રકમ વિવિધ વ્યવહારો મારફતે ડેબિટ કરી લેવાઈ હતી.

ભોગ બનનારને વિશ્વાસમાં રાખવા માટે ઠગ ટોળકીએ એક બનાવટી મોબાઈલ એપ્લિકેશનમાં તેમનો રોકાણ નફો ખોટી રીતે દર્શાવ્યો હતો. જોકે, જ્યારે મેનેજરે પોતાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે એપનું બેલેન્સ શૂન્ય થઈ ગયું હતું.

આ રકમ પાછી મેળવવા માટે વિદેશી નંબરો પરથી વધુ 7 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતા જ તેમને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો. બનાવ અંગે પીડિતે તુરંત સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.