Rajkot: રેલનગરમાં બહેનની છેડતી કરનારા શ્રમિકની હત્યા, ત્રણ ભાઈઓએ ગળેટૂંપો આપી મારી નાંખ્યા બાદ લાશ અગાશી પરથી નીચે ફેંકી દીધી

રેલનગરની કન્સ્ટ્રક્શન સાઈટ પરનો બનાવઃ મૃતક ઓડિશાનો વતની, જ્યારે આરોપીઓ મધ્ય પ્રદેશના ઝબુઆના વતની. હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Sep 2026 04:52 PM (IST)Updated: Wed, 16 Sep 2026 04:52 PM (IST)
rajkot-crime-news-three-brothers-kill-laborer-for-harassing-sister-stage-as-accident

Rajkot Crime News: શહેરના રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ સામેની શેરીમાં ચાલી રહેલા એક મકાનના બાંધકામ સ્થળે ગત સોમવારની રાત્રે એક અત્યંત સનસનાટીભર્યો હત્યાનો બનાવ સામે આવ્યો છે.

ઓડિશાના વતની અને કડીયાકામ-ચણતરનું કામ કરતા દુખીશ્યામ બાગ નામના શ્રમિક યુવકની ત્રણ સાથી શ્રમિકો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવ અંગે મૃતકના સગા ભત્રીજા પ્રફુલ્લભાઈ સુગરીયા દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વિગતવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર જય વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસ વાળી શેરીમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર મૂળ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની એવા પીંજુ કેવનભાઈ ભૂરીયા, અજીત કેવનભાઈ ભૂરીયા અને રાજેશ કૈલાશ ભૂરીયા મજૂરી તથા ચણતરનું કામ કરતા હતા.

ગત સોમવાર તા. 14 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે અજીતની પત્ની આશા અને પીંજુની નાની બહેન તાનુ મકાનના નીચેના રૂમમાં રસોઈ બનાવી રહ્યા હતા. તે જ સમયે ઓડિસાથી આવીને અહીં કામ કરતો દુખીશ્યામ બાગ અચાનક તે રૂમમાં પ્રવેશ્યો હતો અને તેણે તાનુનો હાથ પકડી લેતા ગભરાયેલી તાનુએ બૂમાબૂમ કરી મૂકી હતી.

તાનુની બૂમો સાંભળીને નજીકમાં જ હાજર પીંજુ, અજીત અને રાજેશ તાત્કાલિક રૂમમાં દોડી આવ્યા હતા. પોતાની બહેનની છેડતી થતાં ત્રણેય જણા અત્યંત આવેશમાં આવી ગયા હતા અને દુખીશ્યામ સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન દુખીશ્યામ પોતાનો જીવ બચાવવા ઈંટો પર ફેંકીને બીજા માળના ધાબા પર ભાગી ગયો હતો.

પોતાને ઈંટો મારતા ત્રણેય આરોપીઓ ઉશ્કેરાયા હતા અને દુખીશ્યામનો પીછો કરીને ધાબા પર પહોંચ્યા હતા, ત્યાં તેમણે ગળેટુંપો આપીને તેની હત્યા કરી નાંખી હતી. બીજા દિવસે સવારે દુખીશ્યામનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

પ્રાથમિક તબક્કે અકસ્માતનો ગુનો લાગતો હોવા છતાં પોલીસે શંકાના આધારે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. જેના રિપોર્ટમાં યુવકનું મોત અકસ્માતે પડી જવાથી નહીં, પરંતુ ગળે ટૂંપો આપીને તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાથી થયું હોવાનો ખુલાસો થયો હતો.

આ મામલે મૃતકના ભત્રીજા પ્રફુલ્લભાઈ સુગરીયાની ફરિયાદ પરથી પ્રદ્યુમનનગર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.ડી. મકવાણા દ્વારા આરોપી પીંજુ ભૂરીયા, અજીત ભૂરીયા અને રાજેશ ભૂરીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતની કલમ 103(1), 3(5) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ મામલે હાલ ત્રણેય આરોપીને પ્ર.નગર પોલીસના પીઆઇ મકવાણા અને સ્ટાફે પકડી વધુ પૂછપરછ કરી હતી.