IndiGo Flight Delayed: ટેકનિકલ ખામી સર્જાતા દિલ્હી જતી ફ્લાઈટ 4 કલાક મોડી પડી, અકળાયેલા મુસાફરોનો રાજકોટ એરપોર્ટ પર દેકારો

રાજકોટથી દિલ્હી જતી ઈન્ડીગોની ફ્લાઈટમાં યાંત્રિક ખામીને કારણે 4 કલાકનો વિલંબ થયો. મુસાફરોને હાલાકી ભોગવવી પડી, કેટલાક અમદાવાદથી અન્ય ફ્લાઈટ પકડવા રવાના થયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Sep 2026 04:24 PM (IST)Updated: Wed, 16 Sep 2026 04:24 PM (IST)
rajkot-delhi-indigo-flight-delayed-by-4-hours-due-to-technical-glitch-passengers-frustrated
HIGHLIGHTS
  • કેટલાક મુસાફરો ટેક્સી મારફતે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થઈ ગયા


Rajkot Delhi IndiGo Flight Delayed: રાજકોટથી દિલ્હી જતી ઈન્ડીગોની આજ સવારની ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. જેના કારણે ફ્લાઈટ દિલ્હી જવા માટે સમયસર ઉડાન ભરી શકી નહતી. જેથી ફ્લાઈટમાં બેસી ગયા બાદ અચાનક મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવતા દેકારો બોલી ગયો હતો.

હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ ગ્રાઉન્ડ સ્ટાફ વિરુદ્ધ મુસાફરો બૂમાબૂમ કરી દેકારો કર્યો હતો. બીજી તરફ આશરે 4 કલાક બાદ ઈન્ડીગોની દિલ્હીની ફ્લાઈટ રી-શિડ્યુલ થઇ હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હકીકતમાં ઇન્ડિગો એરલાઇન્સની દૈનિક ફ્લાઇટ IGO 6171/5004 સવારે તેના નિર્ધારિત સમયે 8 વાગ્યે રાજકોટ સ્થિત હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડ થઈ હતી. જે બાદ રાજકોટથી દિલ્હી જનારા મુસાફરોનું બોર્ડિંગ પૂર્ણ કરી તેમને વિમાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા.

ફ્લાઈટ ટેક ઓફ થાય તે પૂર્વે પાઇલટને વિમાનના સિસ્ટમમાં યાંત્રિક ખામી હોવાનું માલૂમ પડ્યું હતું. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇલટે તાત્કાલિક ATCને જાણ કરી હતી, જેથી તાત્કાલિક ધોરણે ફ્લાઈટને ઉડાન ભરતી અટકાવવામાં આવી હતી. જે બાદ વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી ટર્મિનલ એરિયામાં પાછા મોકલી દેવાયા હતા.

વિમાનમાં યાંત્રિક ખામીના કારણે ફ્લાઇટ રદ અથવા વિલંબિત થવાની જાણ થતાં જ મુસાફરોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. ખાસ કરીને જે મુસાફરોને દિલ્હી પહોંચીને ત્યાંથી આગળ દેશ-વિદેશની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી, તેઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. મુસાફરોએ એરલાઇન્સના સ્થાનિક મેનેજર અને ગ્રાઉન્ડ સ્ટાફ ઘેરાવ કરીને વિકલ્પ તરીકે બીજી ફ્લાઇટની તાત્કાલિક વ્યવસ્થા કરવા અથવા યોગ્ય ક્ષતિપૂર્તિ આપવા તીવ્ર માગ કરી હતી.

અમુક મુસાફરો ટેક્સી કરીને અમદાવાદ રવાના થયા એરપોર્ટ પર સર્જાયેલી અચાનક સ્થિતિને પગલે કેટલાક મુસાફરોએ સમયસર દિલ્હી પહોંચવા માટે એરલાઇન્સ પાસેથી રીફંડ મેળવી લીધું હતું અને તાત્કાલિક ટેક્સી મારફતે અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થવાનો વિવેકપૂર્ણ નિર્ણય લીધો હતો. જ્યારે અન્ય મુસાફરો પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ એરપોર્ટના વેટિંગ એરિયામાં જ રોકાઈને ફ્લાઇટ ફરી ઉડાન ભરે તેની રાહ જોઈ હતી.

રાજકોટ દિલ્હીની ઈન્ડીગોની સવારની ફ્લાઈટમાં ખામી જાહેર કરવામાં આવ્યા બાદ એરલાઇન્સ દ્વારા તાત્કાલિક ટેકનિકલ ટીમને બોલાવવામાં આવી હતી. એન્જિનિયરોની ટીમે વિમાનની ચકાસણી હાથ ધરીને ખામી નિવારવાના પ્રયાસો શરૂ કર્યા હતા. કંપની દ્વારા આ ફ્લાઇટને સવારે 11:00 વાગ્યા આસપાસ ટેક ઓફ કરાવવા માટે રી-શિડ્યુલ કરવામાં આવી હતી. ટેકનિકલ ખામી સંપૂર્ણપણે દૂર થયા બાદ જ વિમાનને દિલ્હી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે તેમ એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું.