Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારભરી ઘટના સામે આવી છે. ગામના ત્રણ યુવકોએ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તળાવમાં ઝંપલાવીને અંતિમ પગલું ભર્યું
મળતી માહિતી મુજબ, નારદીપુર ગામના ત્રણ યુવકો – ધૈર્ય જીતેન્દ્રકુમાર શ્રીમાળી (ઉંમર આશરે 22), કૌશિકકુમાર કનુભાઈ મહેરીયા (ઉંમર આશરે 24) અને અશોકકુમાર નરસિંહભાઈ વાઘેલા (ઉંમર આશરે 35) –એ ગામના સીમાડે આવેલા ભમ્મરીયા વડ પાસેના તળાવમાં ઝંપલાવીને સામૂહિક આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ થતાં જ ગામલોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા, કલોલ રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ પોલીસે ત્રણેય મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
આત્મહત્યા પહેલા અંતિમ વિડિયો વાયરલ કર્યો
સૌથી દુઃખદ અને ચોંકાવનારી બાબત એ છે કે ત્રણેય યુવકોએ આ અંતિમ પગલું ભરતા પહેલા સોશિયલ મીડિયા પર એક વિડિયો પણ બનાવ્યો હતો. આ વિડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં યુવકોએ પોતાના જીવ ટૂંકાવવા પાછળનું કારણ દર્શાવ્યું હોવાનું કહેવાય છે, પરંતુ તે કારણ શું છે તે અંગે પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. પ્રાથમિક તપાસમાં અંગત અથવા પારિવારિક તણાવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે મૃતકોના મોબાઇલ ફોન અને વાયરલ વિડિયોને કબજે કરીને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદથી ઊંડી તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુવકો કયા સંજોગોમાં આટલું મોટું અને સામૂહિક પગલું ભરવા મજબૂર થયા હતા. આ ઉપરાંત, આ ઘટના પાછળ કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
યુવકોના મૃત્યુના પગલે નારદીપુર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે અને પરિવારજનો તેમજ મિત્રવર્તુળમાં શોકનો માહોલ છે.
