Gandhinagar: દહેગામમાં કપડા સૂકવવાની દોરી તૂટતાં યુવતી બીજા માળેથી નીચે પટકાઈ, હોસ્પિટલમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત

યુવતીએ કપડા સૂકવવાની દોરી પકડી હતી, જે તૂટી જતાં સંતુલન ગુમાવતા તે ધડામ કરતા ઊંધે માથે નીચે પટકાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 Aug 2025 10:38 PM (IST)Updated: Sun, 03 Aug 2025 10:45 PM (IST)
gandhinagar-news-woman-fall-from-second-floor-dead-in-hospital
HIGHLIGHTS
  • પરિવારના સભ્યો અને પાડોશીઓ દોડતા આવ્યા
  • ગંભીર હાલતમાં યુવતીને ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં એક ચોંકાવનારા બનાવમાં યુવતીનું મોત નીપજ્યું છે. જેમાં કપડા સૂકવવા ગયેલી યુવતી અકસ્માતે બીજા માળેથી નીચે પટકાઈ હતી. જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દહેગામના લવાર ચકલા વિસ્તારમાં રહેતી જ્યોતિ ગોયલ (26) આજે કપડા ધોઈને બીજા માળે સૂકવવા ગઈ હતી. જ્યોતિ કપડા સૂકવવાની દોરી પકડીને એક પછી એક કપડા સૂકવી રહી હતી. આ સમયે અચાનક કપડા સૂકવવાની દોરી તૂટી જતાં જ્યોતિએ પોતાનું સંતુલન ગુમાવી દીધુ હતુ અને તે બીજા માળેથી ઊંધા માથે નીચે પટકાઈ હતી.

આ બાબતની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો ઉપરાંત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત જ્યોતિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ જ્યોતિને ગાંધીનગરની સિવિલમાં રિફર કરી હતી.

જો કે ગાંધીનગર સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન જ્યોતિ ગોયલે હોસ્પિટલ બિછાને દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં દહેગામ પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પરિવારજનોની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.