Gandhinagar News:અશુદ્ધ હવા ગ્રહણ કરી શુદ્ધ ઓક્સિજન આપતા વૃક્ષો આપણા માટે સાક્ષાત દેવતા સમાન છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 03 Sep 2026 12:02 AM (IST)Updated: Thu, 03 Sep 2026 12:02 AM (IST)
gandhinagar-news-trees-that-absorb-impure-air-and-give-pure-oxygen-are-like-gods-to-us-says-governor-acharya-devvratji

ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માઁ કે નામ૩.૦ અભિયાન અંતર્ગત જ્યોતિ વિદ્યામંદિરના પરિસરમાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી વન કવચ હેઠળ આયુર્વેદિક, ફળાઉ અને ઘટાદાર પ્રકારના ૨૩ જેટલા અલગ-અલગ પ્રજાતિના ૫૦૦ રોપાઓનું વાવેતર કરીને પ્રકૃતિ સંવર્ધનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

રાજ્યપાલએ શાસ્ત્રોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આપણે અન્ન કે જળ વિના થોડા દિવસ જીવી શકીએ છીએ, પરંતુ વૃક્ષો દ્વારા મળતા ઓક્સિજન વિના ૩ મિનિટ પણ જીવી શકતા નથી. આથી અશુદ્ધ હવા ગ્રહણ કરી શુદ્ધ ઓક્સિજન આપતા વૃક્ષો આપણા માટે સાક્ષાત દેવતા સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, રોપાઓ વાવ્યા પછી માવજતના અભાવે કે બેદરકારીથી જો રોપો સુકાઈ જાય તો તે ભ્રૂણ હત્યા સમાન પાપ છે. માત્ર ૩ વર્ષ રોપાનું પ્રામાણિકતાથી જતન કરવામાં આવે તો તે આજીવન અને આવનારી પેઢીઓને છાયડો, ફળ અને ઓક્સિજન આપે છે.

રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને અપીલ કરી કે, નાગરિકોએ પોતાના કે બાળકોના જન્મદિવસ અને મેરેજ એનિવર્સરી જેવા શુભ પ્રસંગોએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેને એક વર્ષ સુધી ઉછેરવું જોઈએ.

વૃક્ષારોપણ બાદ રાજ્યપાલએ હાથમાં ઝાડૂ પકડીને ચંદ્રાલા ગામમાં ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. તેમણે ગામના સફાઈ કર્મચારીઓનું બહુમાન કરતા સ્પષ્ટ કહ્યું હતું કે, ગંદકી સાફ કરનાર સફાઈ મિત્રો સમાજમાં સન્માનનીય હોવા જોઈએ. તેમણે ચંદ્રાલા ગામની ઉત્કૃષ્ટ સફાઈ વ્યવસ્થાને બિરદાવી અન્ય ગામો માટે તેને ઉદાહરણરૂપ ગણાવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, જિલ્લા કલેક્ટર  રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ અધીક્ષક વાસમસેટ્ટી રવિ તેજા, સરપંચ શિલ્પાબેન પટેલ, વન વિભાગ તથા પ્રશાસનના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.