Gandhinagar: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમને મોટી સફળતા સાંપડી છે. જેમાં ગેરકાયદેસર વિઝા રેકેટ ચલાવતા કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબીના સાગરિત પંકજ પટેલને ઉત્તર પ્રદેશના વારાણસીથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવાના કૌભાંડના મુખ્ય સુત્રધાર ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ સહિત 18 ઈસમો વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસમાં ચાંદલોડિયા સ્થિત બોબીની ઑફિસમાંથી 79 પાસપોર્ટ મળી આવ્યા હતા. જે પૈકી 5 નકલી હોવાનું સામે આવ્યું હતુ. આ ઉપરાંત કેટલાક વિઝાના ફેક ડૉક્યુમેન્ટ પણ પોલીસના હાથે લાગ્યા હતા. આખરે રાજ્યના પોલીસ વડા દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી.
આ કેસમાં પંકજ પટેલનું નામ ખુલતા તે ફરાર થઈ ગયો હતો. છેલ્લા 22 મહિનાથી ફરાર પંકજ પટેલની માહિતી આપનાર માટે DGPએ 25 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતુ. જો કે આજે SMCની ટીમે પંકજ પટેલને ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી ઝડપી પાડ્યો છે. જેની પાસેથી અમેરિકન ડોલર ઉપરાંત હિસાબની ડાયરી મળી આવી છે. આ સાથે જ આ ગુનામાં અત્યાર સુધીમાં 9 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ જાન્યુઆરી મહિનાની શરૂઆત જ બોબી પટેલના અન્ય એક સાગરિત પ્રિયાંશુ મહેતાની પણ મુંબઈના તુર્ભ વિસ્તારમાં આવેલી હોટલમાંથી ધરપકડ કરી હતી. પ્રિયાંશુ પાસેથી પોલીસે રૂ. 93 લાખની કિંમતનું દોઢ કિલો સોનું, 15 હજારની રોકડ અને મોબાઈલ મળીને કુલ 93.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, વિઝા રેકેટનો મુખ્ય સુત્રધાર બૉબી પટેલ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માંગતા એક વ્યક્તિના 75 લાખ, કપલ હોય તો 1.25 કરોડ અને બાળકો હોય તો દોઢ કરોડ રૂપિયા ચાર્જ લેતો હતો.
