ગામડાઓમાં સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, 'વતન પ્રેમ યોજના'માં લોકભાગીદારી વધારવા નિયમોમાં સુધારા કરાયા

હવેથી 'વતન પ્રેમ યોજના' અંતર્ગત 20થી વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકાશે. સરકાર વિકાસ કામોમાં 20 થી 60 ટકા સુધીનો ફાળો આપશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 May 2026 08:37 PM (IST)Updated: Wed, 20 May 2026 08:37 PM (IST)
gandhinagar-news-rules-amended-to-increase-public-participation-in-vatan-prem-yojana
HIGHLIGHTS
  • કામની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા જિલ્લા, ખાતાના વડા અને વિભાગ કક્ષાએ સમિતિઓને સત્તા સોંપાઈ

Gujarat Vatan Prem Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના ગામડાઓને વધુ સુવિધાજનક અને સમૃદ્ધ બનાવવાના આશય સાથે રાજ્ય સરકારની મહત્વકાંક્ષી 'વતન પ્રેમ યોજના'ની જોગવાઈઓમાં કેટલાક અત્યંત મહત્વપૂર્ણ અને લોકઉપયોગી સુધારા કરવામાં આવ્યા છે.

આ અંગે વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 'વતન પ્રેમ યોજના' અંતર્ગત જિલ્લા, રાજ્ય કે દેશની બહાર વસતા કોઈપણ દાતા અથવા ગામની વ્યક્તિ પોતાના વતન પ્રત્યેનું ઋણ ચૂકવવા અને જન્મભૂમિની સેવામાં સહભાગી થવા સ્વેચ્છાએ દાન આપી શકશે.

દાતાઓના દાન અને રાજ્ય સરકારના અનુદાનના સંગમથી ગામડાઓમાં ઉત્તમ જનસુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ સુધારા બાદ હવે ગામના વિસ્તાર સાથે આત્મિયતા ધરાવતી કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, ટ્રસ્ટ કે મંડળ પણ આ યોજના હેઠળ દાતા તરીકે સહયોગ આપી શકશે.

આ યોજના અંતર્ગત વિકાસના કામોને બે શ્રેણી 'A' અને 'B'માં વિભાજીત કરવામાં આવ્યા છે, જેમાં કામની અમલવારીના આધારે નાણાકીય ફાળો નક્કી કરવામાં આવ્યો છે. કામની અમલવારી સરકારી એજન્સી દ્વારા થવાની હોય ત્યારે, શ્રેણી - Aના કામોમાં સરકાર 60 ટકા અને દાતાએ 40 ટકા ફાળો આપવાનો રહેશે. જ્યારે શ્રેણી - Bના કામોમાં સરકાર 40 ટકા અને દાતાએ 60 ટકા ફાળો આપવાનો રહેશે.

આવી જ રીતે કામની અમલવારી સરકારી એજન્સીના બદલે દાતાએ નક્કી કરેલી એજન્સી દ્વારા થવાની હોય, ત્યારે શ્રેણી- Aના કામોમાં સરકાર 40 ટકા અને દાતાએ 60 ટકા ફાળો આપવાનો રહેશે. આવી જ રીતે શ્રેણી- Bના કામોમાં સરકાર 20 ટકા અને દાતાએ 80 ટકા ફાળો આપવાનો રહેશે.

આ યોજના હેઠળ ગામોમાં નીચે મુજબના મુખ્ય કામો હાથ ધરી શકાશે:

  • સરકારી શાળાના સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ અને લાઈબ્રેરીનું નિર્માણ.
  • પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાનાની સુવિધા.
  • આંગણવાડી, મધ્યાહન ભોજનનું રસોડું અને શેડ.
  • ગામના આંતરિક રસ્તા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ અને સીસીટીવી કેમેરા સિસ્ટમ.
  • વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ફેસિલીટી, અમૃત સરોવર પ્રકારે તળાવનું બ્યુટીફીકેશન અને સોલાર રૂફ ટોપ.
  • એસ.ટી. સ્ટેન્ડ, દૂધ મંડળીનું મકાન અને સામુહિક શૌચાલય.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ યોજના હેઠળના કામોની મંજૂરી પ્રક્રિયામાં વિલંબ ન થાય તે માટે ત્રિ-સ્તરીય સમિતિઓને નાણાકીય સત્તા સોંપવામાં આવી છે. જેમાં, રૂ. 20 લાખ સુધીના કામો મંજૂર કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળની જિલ્લા કક્ષાની સમિતિને, રૂ. 20 લાખથી વધુ અને રૂ. 1 કરોડ સુધીના કામો મંજૂર કરવાની સત્તા વિકાસ કમિશનરની અધ્યક્ષતા હેઠળની ખાતાના વડા (HOD) કક્ષાની સમિતિને તેમજ રૂ. 1 કરોડથી વધુ રકમના મોટા કામો મંજૂર કરવાની સત્તા પંચાયત વિભાગના અગ્ર સચિવ/સચિવની અધ્યક્ષતા હેઠળની વિભાગ કક્ષાની સમિતિને સોંપવામાં આવી છે.

આજે કેબિનેટ બેઠકમાં આ સુધારાને મંજૂરી આપીને તેનો તાત્કાલિક અમલ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ સુધારાઓથી વતનપ્રેમી પ્રવાસી ભારતીયો (NRGs) અને સ્થાનિક દાતાઓ પોતાના ગામના વિકાસમાં વધુ ઉત્સાહભેર જોડાશે અને ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રો 'ગ્લોબલ વિલેજ' બનવા તરફ આગળ વધશે.