Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે ચાલતા ઝઘડા ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા જતાં સશસ્ત્ર ધીંગાણું થતા બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 13 લોકોને ઈજા પહોંચી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતા જાનનાથ મદારીની દીકરી નેતલના લગ્ન દહેગામના મદારીનગરમાં રહેતા વનરાજ મદારી સાથે થયાછે. આ લગ્નજીવન થકી દંપતીને બે જોડિયા બાળકો પણ છે. જો કે વનરાજને બીજી મહિલા સાથે અનૈતિક સબંધો હોવાથી છેલ્લા ચારેક વર્ષથી દંપતી વચ્ચે માથાકૂટ ચાલતી હતી. આ બાબતે જે-તે વખતે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો અને ભરણ પોષણનો કેસ પણ ચાલી રહ્યો છે.
આજથી એકાદ મહિના અગાઉ ફરીથી ઝઘડો થતાં વનરાજે પણ ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી સામાજિક રૂહે વનરાજ સાથે સમાધાનના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. જો કે વનરાજ પોતાની પ્રેમિકાને છોડવા તૈયાર નહતો. આટલું જ નહીં, તે પોતાની પત્ની પર ત્રાસ ગુજારવા લાગ્યો હતો.
ગઈકાલે સમાજનું પંચ સમાધાન માટે મળ્યું હતુ, પરંતુ બન્ને વચ્ચે ઝઘડાનું કોઈ નિરાકરણ નહતુ આવ્યું. જેથી જાનનાથ સહિતના સભ્યો અલગ-અલગ ગાડીમાં પરત ફરી રહ્યા હતા. આ સમયે તેમના વાહનો કપડવંજ સ્થિત ઊંટડીયા મહાદેવ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ તેમનો જમાઈ વનરાજ પોતાના સાગરિતોને લઈને ધસી આવ્યો હતો. વનરાજે જાનનાથ મદારીના કાફલાને આંતરીને તેમની હુમલો કર્યો હતો. જેના પરિણામે બોલેરો રોડની રેલિંગના પતરામાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
જે બાદ વનરાજ અને તેના મળતિયાઓ ઘાતક હથિયારો લઈને હુમલો કરવા ધસી આવ્યા હતા. જેથી જાનનાથ મદારી સહિતના લોકો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા હતા. આમ છતાં વનરાજ અને તેના મળતિયાઓએ પીછો કરીને ઘાતક હથિયારો વડે હુમલો કરતા તકલીબેન મદારી, કલાબેન મદારી, રાજુનાથ મદારી, પૃથ્વીરાજ મદારી, સચિન મદારી, ધારાનાથ મદારી, મુન્નાનાથ મદારી, એરન મદારી, નેતલ મદારી, જગનાથ મદારી, અનંત મદારી અને મુન્ના મદારી ઈજાગ્રસ્ત થયા હતા. જેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સચિન મદારી અને પંચના સભ્ય મુન્નાનાથ મદારીનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય 13 લોકો પૈકી એરનબેન મદારી સહિત 4ની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાામં આવ્યા છે.
હાલ તો દહેગામ પોલીસે જાનનાથ મદારીની ફરિયાદના આધારે તેમના જમાઈ વનરાજ ઉર્ફે વનિયો મદારી, રાહુલનાથ મદારી, અકબરનાથ મદારી, સુનિલનાથ મદારી, નરેશનાથ ઉર્ફે અંચ્યો મદારી અને રાજુનાથ મદારી સહિત 7 ઈસમો સામે BNSની કલમો હેઠલ ગુનો નોંધીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
