Gandhinagar: ગુજરાતમાં 1800 ગૌવંશને કતલખાને જતાં બચાવીને 433 વાહનો જપ્ત કરાયા, 339 વાહનોની હરાજી કરાઈ

છેલ્લા 2 વર્ષમાં ગુજરાતભરમાંથી ગૌવંશને હેરફેર કરતાં 629 ગુનાઓ નોંધાયા, 1810 આરોપીઓની ધરપકડ. 184 વિરુદ્ધ PASA અને 50 આરોપીઓને તડીપાર કરાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Feb 2026 06:48 PM (IST)Updated: Wed, 25 Feb 2026 06:49 PM (IST)
gandhinagar-news-minister-kaushik-vekariya-reveals-strict-action-in-cow-smuggling-cases-across-state
HIGHLIGHTS
  • ગૌમાસ હેરફેરના આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે, સરકારનો સ્પષ્ટ સંદેશ
  • 6 કરોડની 39 મિલકતો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવાયું

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં મહીસાગર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ અને ગૌવંશની ગેરકાયદે હેરફેરના (Cow Smuggling) મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ ગૃહને સરકારની કડક કામગીરીથી અવગત કરાવ્યા હતા. 

રાજ્યવ્યાપી કામગીરીનો ચિતાર રજૂ કરતા મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં કુલ 629 ગુનાઓ નોંધી 1,810 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

આશરે 54,000 કિલો ગૌમાંસ અને 1,800 ગૌવંશને કતલખાને જતા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 433 વાહનો જપ્ત કરી તે પૈકી 339 વાહનોની હરાજી પણ કરવામાં આવી છે.

ગૌવંશ હેરફેર કરતા તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં તરીકે 184 ઇસમો વિરુદ્ધ પાસા (PASA) અને 50 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરાઈ છે.  રાજ્યમાં આશરે 6 કરોડ રૂપિયાની 39 મિલકતો પર 'દાદાનું બુલડોઝર' ફેરવી દેવામાં આવ્યું છે. 

આપણી સંસ્કૃતિમાં ગાય માતા સમાન પૂજનીય છે

વધુમાં મંત્રીએ ભાવુક સ્વરે જણાવ્યું કે, ગાય એ આપણી સંસ્કૃતિમાં માત્ર પશુ નથી, પરંતુ માતા સમાન પૂજનીય છે, જેમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. રાજ્ય સરકાર આવા ગુનાઓમાં કડકમાં કડક સજા અપાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરી રહી છે, જેથી આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં ન આવે. 

ગૌવંશ સંરક્ષણના કાયદા હેઠળ અમરેલી જિલ્લામાં થયેલી કડક કાર્યવાહી અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ 12 ગુનાઓમાં 21 આરોપીઓને જેલની સજા અને રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં 3 આરોપીઓને આજીવન કેદ, 11 આરોપીઓને 10 વર્ષની કેદ અને 3 આરોપીઓને 07 વર્ષની કેદની સજા કરવામાં આવી છે.  તદુપરાંત, આ આરોપીઓ પાસેથી કુલ રૂ. 42 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. 

મહીસાગર જિલ્લામાં પોલીસની સતર્કતા અંગે તેમણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં 8 ગુનાઓ દાખલ કરી 1,940 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન 10 જેટલા ગૌવંશને બચાવી લેવાયા છે અને 28 આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે. તદુપરાંત, મહીસાગર જિલ્લામાં કુલ 13 વાહનો પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.