Gandhinagar: રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના હિતમાં અને બાળકોના શિક્ષણના સ્તરને સુધારવા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા લેખિત પરિપત્ર મુજબ, હવેથી પ્રાથમિક શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાં જોતરી શકાશે નહીં.
શિક્ષણ પર વિપરીત અસર અટકાવવા નિર્ણય
લાંબા સમયથી વિવિધ શિક્ષક સંઘો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી કે, શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતા બાળકોના અભ્યાસ પર તેની માઠી અસર પડે છે. ઘણીવાર શિક્ષકોની સંમતિ વિના જ તેમને અન્ય સરકારી કામોમાં લગાડી દેવામાં આવતા હતા.
આ બાબતને ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, રાષ્ટ્રીય હિત (જેમ કે વસ્તી ગણતરી કે ચૂંટણી) સિવાયની કોઈ પણ અન્ય બિન-શૈક્ષણિક જવાબદારી શિક્ષકોને સોંપી શકાશે નહીં. આ સંદર્ભે રાજ્યના તમામ DEOને સૂચના આપી દેવામાં આવી છે.
શિક્ષણ વિભાગના આ આદેશથી રાજ્યના લાખો પ્રાથમિક શિક્ષકોમાં આનંદની લાગણી છવાઈ છે. હવે શિક્ષકો પોતાનો સંપૂર્ણ સમય બાળકોના શૈક્ષણિક ઉત્થાન અને ગુણવત્તાસભર શિક્ષણ પાછળ ખર્ચી શકશે.
