Gujarat TET Exam Mandatory Protest: ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા TET (શિક્ષક યોગ્યતા કસોટી) ફરજિયાત બનાવતા લેવામાં આવેલા નિર્ણય સામે હવે વિરોધનો સૂર ઉઠ્યો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી 11 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના ધરણાં કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાશે.
2010 પહેલાના શિક્ષકો માટે પણ TET ફરજિયાત
સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ અનુસાર, 2010 પહેલાના સેવારત શિક્ષકો માટે પણ હવે TET પાસ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નિયમ હેઠળ અસરગ્રસ્ત શિક્ષકોએ 31 ઓગસ્ટ 2028 સુધીમાં આ પરીક્ષા પાસ કરવાની રહેશે.
આ નિર્ણયના વિરોધમાં ઓલ ઈન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશન (AIPTF) દ્વારા આંદોલનનું એલાન આપવામાં આવ્યું છે. જે સંદર્ભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ મેદાનમાં ઉતરીને વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે
ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શનની તૈયારી
શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી. જાડેજા અને મહામંત્રી જેમીનકુમાર એન. પટેલ દ્વારા જારી કરાયેલ સત્તાવાર પત્ર મુજબ, આ રાજ્ય કક્ષાના ધરણાં કાર્યક્રમ માટેની વિગતો પર નજર કરીએ.
તારીખ: 11/07/2026, શનિવાર
સમય: બપોરે 2:00 થી 5:00 કલાક દરમિયાન
સ્થળ: સત્યાગ્રહ છાવણી, સેક્ટર 6, ગાંધીનગર
જિલ્લા સ્તરેથી શિક્ષકોને જોડવા અપીલ
સંઘ દ્વારા તમામ જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ અને હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ પોતાના જિલ્લામાંથી વધુમાં વધુ સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનોને આ કાર્યક્રમમાં હાજર રાખે. શિક્ષક સંઘનો હેતુ આ ધરણાં દ્વારા સરકાર અને તંત્ર સુધી પોતાની માગણીઓ પહોંચાડવાનો અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે પોતાનો વિરોધ નોંધાવવાનો છે. 2 જૂલાઈ 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા આ આદેશ બાદ હવે રાજ્યભરના શિક્ષકો 11 જુલાઈએ પાટનગરના માર્ગો પર ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
