Gandhinagar: માણસાથી ઑસ્ટ્રેલિયા જવા નીકળેલા મહિલા સહિત 4નું ઈરાનમાં અપહરણ, પરિવારને વીડિયો મોકલી રૂ. 2 કરોડની ખંડણી માંગી

વીડિયોમાં ચારેય અપહ્યતોને નગ્ન કરીને ઊંધા સૂવડાવી દેવામાં આવ્યા છે અને તેમના મોંઢામાં ડુચો અને હાથ પાછળથી બાંધી દીધા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 27 Oct 2025 07:36 PM (IST)Updated: Mon, 27 Oct 2025 07:36 PM (IST)
gandhinagar-news-mansa-village-3-kidnap-in-iran-demand-2-crore-extortion-by-video-call
HIGHLIGHTS
  • બાપુપુરા અને બદપુરાના 4 જણા 19 ઓક્ટોબરે દિલ્હીથી એમિરાટ્સની ફ્લાઈટમાં બેઠા હતા
  • ધારાસભ્યએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લઈને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અલગ-અલગ ગામોમાં રહેતા એક મહિલા સહિત ચાર લોકો વિદેશ જવાના મોહમાં મોટી મુસિબતમાં મૂકાઈ ગયા છે. ગુજરાતથી ઑસ્ટ્રેલિયા જવા નીકળેલા ચારેય લોકોનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું છે. ઈરાનથી અપહરણકારોએ બાપુપુરામાં રહેતા પરિવારજનોને વીડિયો કોલ કરીને ખંડણી માંગતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 19 ઓક્ટોબરના રોજ માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ અને બદપુરાના એક મળીને કુલ ચાર લોકો ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. જેમની ઓળખ અજયકુમાર ચૌધરી, અનિલકુમાર ચૌધરી, નિખિલકુમાર ચૌધરી અને પ્રિયાબેન ચૌધરી તરીકે થઈ છે. આ ચારેય લોકોને અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી અમિરેટ્સ એરલાઈનની ફ્લાઈટ દ્વારા બેંગકોક થઈને ઈરાનના તહેરાન લઈ જવામાં આવ્યા છે.

તહેરાનમાં ચારેય લોકોને ગોંધી રાખવામાં આવ્યા છે. જ્યાંથી બાબા નામના ઈસમે બાપુપુરામાં રહેતા તેમના પરિવારજનોને ફોન કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે.

અપહરણકર્તાઓએ એક વીડિયો પણ પરિવારજનોને મોકલ્યો છે. જેમાં અપહ્યત લોકોને નગ્ન કરીને જમીન પર ઊંધા સૂવડાવવામાં આવ્યા છે, જ્યારે તેમના મોંઢામાં કપડાનો ડુચો મારવામાં આવ્યો છે અને હાથ પાછળ બાંધી દેવામાં આવ્યા છે. આ સાથે જ મહિલા સહિત 3 યુવકોના ચહેરા પર માર મારવાના કારણે લાલ ચકામા ઉપસી આવ્યા છે. પોતાના સંતાનોના વીડિયો મળતા ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે અને સરકાર પાસે મદદ માંગી છે.

આ મામલે માણસાના ધારાસભ્ય જયંતી પટેલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા તેમજ ચારેય લોકોને હેમખેમ પરત લાવવા માટે વિનંતી કરી છે.