Gandhinagar: 'સાથ જીયેંગે..સાથ મરેંગે..' ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડાએ દુપટ્ટાથી એકબીજાને બાંધીને કેનાલમાં ઝંપલાવ્યું, બે દિવસે મૃતદેહ મળ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 May 2024 07:29 PM (IST)Updated: Sat, 04 May 2024 07:29 PM (IST)
gandhinagar-news-lover-jump-to-death-in-limbadia-canal-and-commit-suicide

Gandhinagar: હિન્દીમાં પ્રખ્યાત કહેવત છે કે- 'પ્રિત ન કરીએ કોઈ, પ્રિત મેં દુ:ખ હી દુ:ખ હોઈ', આજના ઈન્ટરનેટ અને મોબાઈલના યુગમાં બે પાત્રો વચ્ચે પ્રેમ અને બ્રેકઅપ જેવી ઘટનાઓ બનતા વાર નથી લાગતી. પ્રેમમાં નિષ્ફળતા મળતા અથવા પરિવારજનોના વિરોધના પગલે પ્રેમ લગ્નમાં નહીં પરિણમે એમ લાગતા હતાશ યુગલો જિંદગી ટૂંકાવતા જરા પણ વિચાર નથી કરતાં. આવો જ એક બનાવ ગાંધીનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં આ ભવે ક્યારેય એક નહીં થઈ શકીએ, તેમ સમજીને પ્રેમી પંખીડાએ લીંબડીયા કેનાલમાં મોતની છલાંગ લગાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાના જલુન્દ્રા ગામમાં રહેતી જશોદા ઠાકોરને ગામના જ ગોપાલ ઠાકોર નામના યુવક સાથે આંખો મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ગત બુધવારે જશોદા અને ગોપાલ ઘરેથી કોઈને કહ્યાં વિના ગાયબ થઈ ગયા હતા. જેથી બન્નેના પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી.

જે બાદ ગઈકાલે બપોરે લીંબડિયાની કેનાલમાં બન્નેના મૃતદેહ દુપટ્ટા વડે એકબીજાને બાંધેલી હાલતમાં તરતા જોવા મળ્યા હતા. જેથી કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પરિવારજનોના નિવેદન લેવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુગલ નાના જલુન્દ્રા ગામના એક જ વાસમાં રહેતુ હતુ. જે પૈકી ગોપાલ પરિણીત અને એક સંતાનનો પિતા હતો. જ્યારે યુવતી જશોદા પણ પરિણીત હોવાનું જાણવા મળ્યું છે.