Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક આવેલા મોટા ચિલોડા પંથકમાં પ્રેમી પંખીડાના આપઘાતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિણીત યુવતી અને છૂટાછેડા લીધેલ યુવકે આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોટા ચિલોડા ગામના લોકો આજે નિત્યક્રમ પ્રમાણે કામ અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે સરકારી બોરના કૂવા નજીકના ખેતરમાં આવેલા આંબાના ઝાડ પર સાડી વડે યુવક-યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોતા ચોંકી ઉઠ્યા હતા.
આ બાબતની જાણ કરવામાં આવતા ચિલોડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ બન્ને મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુગલ પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી મૃતક યુવતી પરિણીત હતી, જ્યારે યુવકના થોડા સમય પહેલા જ છૂટાછેડા થઈ ગયા હતા. બન્ને લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે પ્રેમસબંધ ચાલતો હતો.
જો કે સમાજ બન્નેને એક નહીં થવા દે તે બીકે બન્નેએ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ તો ચિલોડા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને બન્નેના પરિવારજનોના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
