HTAT Bharti 2026: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઘણાં લાંબા સમયથી ખાલી પડેલી મુખ્ય શિક્ષકોની ભરતીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 'હેડ ટીચર એપ્ટિટ્યૂટ ટેસ્ટ' (HTAT) પાસ કરનાર ઉમેદવારોની ભરતીને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
આ સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને પત્ર લખીને HTAT મુખ્ય શિક્ષક (વર્ગ-3)ની ખાલી જગ્યાઓ ભરવા અને નવી જગ્યાઓ ઊભી કરવા અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી 1800થી વધુ મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવશે.
આ નિર્ણયથી રાજ્યના પ્રાથમિક શિક્ષણ માળખાને મજબૂતી મળશે અને લાયક ઉમેદવારો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. શિક્ષણ વિભાગના આદેશ બાદ હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ભરતીની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે.
મુખ્ય શિક્ષકની ભરતીના નવા નિયમો અને રેશિયો જાહેર
આજ રોજ જાહેર કરવામાં આવેલા શિક્ષણ વિભાગના સત્તાવાર પત્ર મુજબ, મુખ્ય શિક્ષક (વર્ગ-3) ની ભરતી માટેના નિયમોમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મુખ્ય શિક્ષકોની ભરતી માટે સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક (સેમી ડાયરેક્ટ) પરીક્ષાનો રેશિયો 1:1:2 નક્કી કરવામાં આવ્યો છે. આ રેશિયો મુજબ લાયક શિક્ષકોને બઢતીની સાથે સાથે નવી પ્રતિભાઓને સીધી ભરતી દ્વારા પણ તક આપવામાં આવશે.
1,808 જગ્યાઓ પર તાત્કાલિક ભરતીની પ્રક્રિયા
નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં મુખ્ય શિક્ષક વર્ગ-3 ની જે જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી, તે પૈકી બાકી રહેલી 1,808 જગ્યાઓ તાત્કાલિક ધોરણે ઉભી કરી તેને ભરવા માટે નાણા વિભાગે સંમતિ આપી છે.
પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ખાલી રહેલ જગ્યાઓ ભરવા અંગેની કાર્યવાહી સત્વરે હાથ ધરી આગામી અંદાજપત્ર તૈયાર થાય તે પહેલાં આ કામગીરી પૂર્ણ કરી લેવી. આ ઉપરાંત ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (Special Competitive Exam) ના આધારે જગ્યાઓ ભરવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા આદેશ અપાયો છે.
કુલ 11,000 જગ્યાઓની મર્યાદામાં આયોજન
મુખ્ય શિક્ષકની અંદાજપત્રમાં ઉભી કરવામાં આવેલી કુલ 11,000 જગ્યાઓ કરતા વધે નહીં તે રીતે આ સમગ્ર ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને સૂચના આપી છે કે, 31-07-2026ની સ્થિતિએ જે મહેકમ મંજૂર થાય તે ધ્યાને લઈ નવી જગ્યાઓ માટેની દરખાસ્ત પણ સમયસર રજૂ કરવી.
આ નિર્ણયથી રાજ્યની સેંકડો પ્રાથમિક શાળાઓને કાયમી મુખ્ય શિક્ષકો મળશે, જેનાથી શાળાઓના વહીવટી પ્રશ્નો ઉકેલાશે અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો જોવા મળશે. જે બાદ ઉમેદવારો હવે સત્તાવાર જાહેરાત અને પરીક્ષાના કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
