Gandhinagar: આજથી બે દિવસ અગાઉ ગુજરાત વિધાનસભામાં ગુજરાતી લોકસંગીત અને સાહિત્ય સાથે સંકળાયેલા વિવિધ કલાકારોને ગૃહની મુલાકાત લઈને કાર્યવાહી કેવી રીતે થાય છે? તે નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતુ. જેમાં કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, માયાભાઈ આહીર, કિંજલ જવે, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારો વિધાનસભા પહોંચ્યા હતા, જ્યાં ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા તમામ કલાકારોનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતુ. જો કે આ મુલાકાતમાં કોઈ પણ ઠાકોર સમાજના કલાકારને આમંત્રણ ના મળતા ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને પોતાની વ્યથા ઠાલવી છે. જેમાં વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, હું ભાજપ હોય, કે કોંગ્રેસ દરેક પાર્ટીનું સન્માન કરું છું. સરકારે દરેક સમાજના કલાકારને બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું, તે સારી વાત છે. મને ના બોલાવ્યો, તેનું મને કોઈ દુ:ખ નથી, પરંતુ મારા ઠાકોર અને ક્ષત્રિય સમાજના અનેક એવા સારા કલાકારો છે, જે સંતવાણી કરે છે અને ભજનો પણ ગાય છે. તમે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને બોલાવવા જોઈતા હતા. ઠાકોર સમાજના નેતાઓએ પણ આ બાબતે રજૂઆત કરવી જોઈએ.
આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થતી હોય, તે મેં જોયું છે. અત્યારે કલાકારોના અલગ-અલગ ગ્રુપ બની ગયા છે. જેમાં ઠાકોર સમાજના કલાકારોને બાકાત રાખવામાં આવી રહ્યા છે. તમે (સરકારે) ઠાકોર સમાજનું સન્માન ના કર્યું, તેનું ખોટું લાગ્યું છે. હું કોઈ નેતા નથી, પરંતુ અભિનેતા છું. મારા ઠાકોર સમાજના કોઈ કલાકારને તમે આમંત્રણ ના આપ્યું. આ બાબતે હું મારા સમાજના મોટા-મોટા નેતાઓનું પણ ધ્યાન દોરીશ.
અમારા ઠાકોર સમાજમાં પણ સારા કલાકારો છે, પરંતુ તમે ચૂકી ગયા. હું કોઈ રાજકીય વાત કરવા નથી માંગતો, પરંતુ મારે તો માત્ર મારા સમાજની જ વાત કરવી છે. તમે કોઈ બીજા વતી કલાકારોને બોલાવ્યા હોય અને સરકારના નેતાઓને ખબર પણ ના હોય, એવું બની શકે. જો કે આ બાબતે તમારે ધ્યાન તો રાખવું જોઈએ. તમે કોઈને કલાકારોને બોલાવવા માટે આમંત્રણ આપ્યું હોય, તો પછી તેઓ ઠાકોર સમાજના કલાકારોને કેમ નથી બોલાવતા.
બીજી તરફ વિક્રમ ઠાકોર સાથે વીડિયોમાં લાઈવ થયેલા નવઘણ ઠાકોરે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ માત્ર ઠાકોર સમાજની જ બાદબાકી કરવામાં આવી. ગુજરાતની અંદર સૌ પ્રથમ વિક્રમ ઠાકોરનું નામ આવે, બીજા નંબર પર રોહિત ઠાકોર અને છોટે વિક્રમ.. એવા અનેક ઠાકોર સમાજના કલાકારો છે. આ લોકોએ ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. ગુજરાતમાં આપણો આટલો બહોળો સમાજ હોવા છતાં આપણી અવગણના કરવામાં આવે, તે વ્યાજબી નથી. આખરે કલાકારોને કોઈ ધર્મ કે પાર્ટી હોતી જ નથી.
