ગુજરાત સરકારનું ઉત્તરાયણને 'કરૂણા પર્વ' બનાવવાનું આહવાન, લોકોને સવારે 9 પહેલા અને સાંજે 5 પછી પતંગ ના ચગાવવા અપીલ કરી

એસીડોસિસ અને આફરો જેવી સમસ્યા સર્જાય, તે પશુના મૃત્યુનું કારણ બની શકે છે. ખાસ કરીને કુમળી લીલી જુવાર પશુઓ માટે ઝેર સમાન સાબિત થાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Jan 2026 07:00 AM (IST)Updated: Wed, 14 Jan 2026 07:00 AM (IST)
gandhinagar-news-gujarat-governments-appeal-to-make-uttarayan-a-karuna-parv
HIGHLIGHTS
  • ગાય સહિતના પશુઓને વધારે પડતો ઘાસ ચારો ખવડાવવાથી તેમની પાચન ક્રિયા ખોરવાઈ જાય છે
  • પતંગ ચગાવવા પ્લાસ્ટિક કે ચાઈનીઝ દોરીનો બિલકુલ ઉપયોગ ના કરવાનું સૂચન કરાયું

Gandhinagar: ઉત્તરાયણ દાન-પુણ્ય અને આનંદનું પર્વ છે, પરંતુ નાનકડી બેદરકારી આકાશમાં વિહરતા પક્ષીઓ અને રસ્તા પરના અબોલ પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાને રાખીને ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ-પક્ષીઓની સુરક્ષા માટે માનવીય અભિગમ અપનાવવા સર્વે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે નાગરિકો ગાય કે અન્ય પશુઓને મોટા પ્રમાણમાં ઘાસચારો કે ઘુઘરી ખવડાવતા હોય છે. એકસાથે વધુ પડતો લીલો ચારો કે ખોરાક આપવાથી પશુઓની પાચનક્રિયા ખોરવાય છે, જેને કારણે 'એસીડોસીસ' અને 'આફરો' જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે જે પશુના મૃત્યુનું કારણ પણ બની શકે છે. ખાસ કરીને કુમળી લીલી જુવાર પશુઓ માટે ઝેર સમાન સાબિત થાય છે, તેથી પશુઓને મર્યાદિત અને યોગ્ય આહાર આપવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આકાશમાં મુક્તપણે ઉડતા પક્ષીઓને દોરીના જીવલેણ ઘાથી બચાવવા માટે પતંગબાજોએ વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. જેના માટે પતંગ ચગાવવામાં પ્લાસ્ટિક, ચાઈનીઝ દોરી કે વધુ પડતા કાચ પાયેલી દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પક્ષીઓની અવરજવરના મુખ્ય સમય એટલે કે સવારે ૯ વાગ્યા પહેલા અને સાંજે ૫ વાગ્યા પછી પતંગ ન ચગાવવા પણ અપીલ કરવામાં આવી છે.

જો કોઈ પક્ષી કે પશુ ઘાયલ અવસ્થામાં મળી આવે, તો વિલંબ કર્યા વગર નજીકના રેસ્ક્યુ સેન્ટરનો સંપર્ક કરવા અથવા રાજ્ય સરકારની પશુ હેલ્પલાઈન ૧૯૬૨ પર કોલ કરવો. આ નંબર પર સંપર્ક કરવાથી 'કરુણા એનિમલ એમ્બ્યુલન્સ' દ્વારા ઈજાગ્રસ્ત જીવને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવશે તેમ પશુપાલન વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

સૌ નાગરિકોએ સાથે મળીને આ ઉત્તરાયણને પશુ-પક્ષીઓ માટે સુરક્ષિત બનાવવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.