Gandhinagar: રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ, સરકારે છેલ્લા 5 વર્ષમાં 15.21 લાખથી વધુને રોજગારી પૂરી પાડી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 Feb 2024 06:01 PM (IST)Updated: Fri, 16 Feb 2024 06:01 PM (IST)
gandhinagar-news-govt-provide-15-21-lakh-employment-in-last-five-years-says-balwantsinh-rajput
HIGHLIGHTS
  • શ્રમિકોને પ્રાથમિક સારવાર પહોંચાડવા 50 નવા ધનવંતરી રથ શરૂ કરાશે
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ વર્ષ 2024-25માં નવા 100 કેન્દ્રો શરૂ કરાશે

Gandhinagar: ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને કારણે રાજ્યમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. રાજ્યના યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે.

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં 1,086 ભરતીમેળાના આયોજન થકી 15.21 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકારનું ‘અનુબંધમ પોર્ટલ‘ નોકરીદાતા અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે. આ પોર્ટલમાં હાલની સ્થિતિએ 3 લાખથી વધુ ઉમેદવાર તથા 47,000થી વધુ નોકરીદાતાઓ નોંધાયા છે.

નવી ટેકનોલોજી, નવા સેવાકીય સેક્ટર અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યના યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની નેમ છે.

કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ગુજરાતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટીય કક્ષાએ પ્રથમ હરોળમાં લાવવા આ વર્ષે બજેટમાં કૌશલ્ય વિકાસ માટે રૂ. 568 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત ભવિષ્યમાં સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા ‘કૌશલ્યા : ધ સ્કીલ યુનિવર્સિટી‘ ખાતે વ્યાપક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા માઈક્રોન કંપની સાથે રાજ્ય સરકારે MoU કર્યા છે.

વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટાથી શરૂ કરાયેલી ‘કૌશલ્યા : સ્કીલ યુનિવર્સીટીની‘ હેઠળ ન્યુ એઇજ સ્કીલ આધારિત 6 વિદ્યા શાખા શરૂ કરવામાં આવી છે. આ વિદ્યા શાખા હેઠળ નવી શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ 120 જેટલા વિવિધ અભ્યાસક્રમો અંતર્ગત વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરી રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.

કૌશલ્યા : ધ સ્કિલ યુનિવર્સિટીએ ડ્રોન ઉત્પાદન અને ડ્રોન તાલીમ માટે “ડ્રોન મંત્રા” લેબોરેટરી પણ વિકસાવી છે. ડ્રોન ક્ષેત્રના વિકાસને ધ્યાને લઇ ડ્રોન પાયલટ ટ્રેનિંગને વેગ આપવા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન ખાતે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર ટ્રેનીંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

વધુમાં મંત્રી રાજપૂતે જણાવ્યું કે, ગુજરાતના શ્રમયોગીઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. શ્રમિકોને આર્થિક સહાય પૂરી પાડવા વર્ષ 2022-23માં 10.67 લાખથી વધુ શ્રમિકોને રૂ. 1315 કરોડની રકમ બોનસ તરીકે ચૂકવવામાં આવી છે, જે બોનસ પેટે ચૂકવાયેલ સૌથી વધુ રકમ છે.

આ ઉપરાંત માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરી પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતગર્ત વર્ષ 202૩-24માં નવા 150 કેન્દ્રોની શરૂઆત કરવામાં આવતા રાજ્યમાં કેન્દ્રોની સંખ્યા વધીને 278 થઈ હતી. આગામી વર્ષ 2024-25માં નવા 100 કેન્દ્રો શરૂ કરવા માટે રાજ્ય સરકારે બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.

અન્ન સુરક્ષા ઉપરાંત શ્રમિકોને આરોગ્ય સુવિધા પૂરી પાડવા રાજ્યમાં હાલ 154 ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. આ 154 રથ થકી અત્યાર સુધીમાં કુલ 80 લાખથી વધુ OPD થઈ છે. રાજ્યભરના શ્રમિકોને પ્રાથમિક સારવાર પહોંચાડવા 50 નવા ધનવંતરી રથો કાર્યાનવિત કરવામાં આવશે.

જ્યારે નોંધાયેલા બાંધકામ શ્રમિકના બાળકોના અભ્યાસ માટે ભરેલ કુલ ફીના 100% રકમની સહાય આપવા નિવાસી શિક્ષણ સહાય યોજના, ગુજરાત સામુહિક જુથ અકસ્માત યોજના, મરણોત્તર ક્રિયા માટે અંત્યેષ્ઠી સહાય જેવી વિવિધ યોજનાઓ અમલમાં છે. અંત્યેષ્ઠી સહાય યોજના હેઠળ રૂ.5000 સહાય આપવામાં આવતી હતી, જેમાં વધારો કરીને વર્ષ 2024-25થી સહાયની રકમ રૂ. 10,000 કરાઇ છે.

ગંભીર રોગ સિલિકોસીસથી અવસાનના કિસ્સામાં શ્રમિકોના વારસદારોને આર્થિક સહાય અંગેની સુરક્ષા યોજના અંતર્ગત વર્ષ 2024-25થી સહાયની રકમ રૂ. 1.00 લાખથી વધારીને રૂ. 4.00 લાખ કરાઇ છે. આ ઉપરાંત બાંધકામ શ્રમિકો માટે “શ્રમિક બસેરા” યોજના અંતર્ગત માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિન પ્રતિ શ્રમિક ભાડાના દરથી શ્રમિકોને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.

સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુસર મોબાઈલ મેડિકલ વાન યોજના અમલમાં છે. આ યોજના અન્વયે 19 મોબાઈલ મેડીકલ વાન કાર્યરત છે. ચાલુ નાણાંકીય વર્ષમાં વધુ છ મોબાઇલ મેડિકલ વાન ખરીદવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.