ગાંધીનગરના માણસામાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા, ત્રણ જેટલી કારને નુકસાન પહોંચાડ્યું

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 14 Apr 2024 11:36 AM (IST)Updated: Sun, 14 Apr 2024 11:36 AM (IST)
gandhinagar-news-fight-between-two-bulls-in-mansa-damaging-three-cars

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના માણસામાં શનિવારના રોજ બે આખલાઓ વચ્ચે જાહેર માર્ગ પર યુદ્ધ ખેલાયુ હતું. શહેરના રામજી મંદિર વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયેલા આ યુદ્ધથી ત્રણ જેટલી કારને નુકસાન પહોંચ્યું હતું. આખાલઓ બાખડતાં થોડો સમય ભયનો માહોલ ઉભો થયો હતો. મહા મહેનતે રહિશોએ આખલાને ભગાડ્યા હતા. રખડતાં ઢોરના ત્રાસથી સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, રખડતાં ઢોરોના ત્રાસને નિયંત્રિત કરવા માટે આકરા પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં પણ રાજ્યના અનેક શહેરોમાં આ ત્રાસ યથાવત છે. ગાંધીનગરના માણસા શહેરમાં પણ અવાર-નવાર રખડતાં ઢોર દ્વારા હુમલો કરવામાં આવતો હોવાના સમાચાર આવતા રહે છે, ત્યારે શનિવારના રોજ રામજી મંદિર સામેના વિસ્તારમાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. જેના કારણે થોડો સમય અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આખલાઓ બાખડતાં આ વિસ્તારના રહિશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા આખલાઓને છોડાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ તેમની લડાઇ અટકી ન હતી. બાખડતા બાખડતા આખલાઓએ ત્રણ જેટલી કારને નુકસાન પહોંચાડ્યું હતું. અથાગ પ્રયાસો બાદ આખરે રહિશો આખલાઓને ભગાડવામાં સફળ રહેતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે રખડતાં ઢોરોના ત્રાસ અને તેમના દ્વારા કરવામાં આવતા નુકસાનથી રહિશોમાં રોષ જોવા મળ્યો હતો.