Gandhinagar: કલોલમાં જૂની અદાવતમાં પુત્રની નજર સામે જ પિતાની કરપીણ હત્યા, 5 હુમલાખોરો તલવાર અને પાઈપ વડે તૂટી પડ્યા

પિતાનો જન્મદિવસ હોવાથી પુત્ર કેક લેવા ગયો હતો. જેવો પુત્ર આવ્યો તે સાથે જ હુમલાખોરો રિક્ષામાં ભાગ્યા, જ્યારે પિતા લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 08:12 PM (IST)Updated: Sun, 14 Dec 2025 08:12 PM (IST)
gandhinagar-news-father-killed-in-front-of-son-eye-at-kalol-fir-against-5-attackers
HIGHLIGHTS
  • ખેંગારભાઈને લોહીલુહાણ હાલતમાં ચાંદખેડાની હોસ્પિટલમાં લઈ જવાયા
  • કલોલ પોલીસે 5 હુમલાખોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલમાં જૂની અદાવતમાં પાંચ જેટલા હુમલાખોરોએ પાઈપ અને તલવારના આડેધર ફટકા મારીને પુત્રની નજર સામે જ પિતાની કરપીણ હત્યા કરી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે કલોલ શહેર પોલીસ મથકમાં પાંચ ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કલોલના ત્રિકમનગરમાં રહેતા ખેંગારભાઈ પરમાર છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે ખેંગારભાઈનો જન્મદિવસ હોવાથી તેમના મિત્રો અશોકજી અને ચીકાજી દ્વારા અંડરબ્રિજના સર્વિસ રોડ પર પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેથી ખેંગારભાઈનો પુત્ર ચેતન ઉર્ફે ચિરાગ પોતાના મિત્ર કાંધલ સાથે કેક લેવા ગયો હતો. આ દરમિયાન પાંચ જેટલા ઈસમો રિક્ષા લઈને ધસી આવ્યા હતા. જેમણે રિક્ષાની ટક્કર મારીને ખેંગારભાઈને નીચે પાડી દીધા હતા. જે બાદ પોતાની પાસે રહેલ લોખંડની પાઈપો અને તલવારના આડેધડ ઘા ઝીંકીને ખેંગારભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે ચેતન પિતા માટે કેક લઈને આવ્યો, ત્યારે તેને જોઈને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

જે બાદ ખેંગારભાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે ચાંદખેડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. આ મામલે ચેતનની ફરિયાદના આધારે કલોલ પોલીસે નવીન ઉર્ફે ભાણો, નયન, સોનુ મકવાણા, અમૃત સોલંકી અને મનોજ મકવાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ગત 10 ડિસેમ્બરના રોજ ખેંગારભાઈના મિત્ર અશોક ઠાકોરના દિકરાના લગ્ન પ્રસંગ નિમિત્તે જમણવાર ચાલતો હોવાથી ઘર નજીકનો રસ્તો બંધ કર્યો હતો. આ સમયે નવિન ઉર્ફે ભાણો બાઈક લઈને ત્યાંથી નીકળ્યો હતો. જો કે રસ્તો બંધ હોવાથી ખેંગારભાઈ અને નવિન વચ્ચે માથાકૂટ થઈ હતી. જો કે આસપાસના લોકોએ વચ્ચે પડીને બન્નેને છૂટા પાડ્યા હતા. આ બાબતનો ખાર રાખીને ખેંગાર પરમારનું ઢીમ ઢાળ્યું હોવાનું માલૂમ પડ્યું છે.