Gandhinagar News: ગાંધીનગર જિલ્લાની કલોલ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ (Congress) નેતા બળદેવજી ઠાકોર (Baldevji Thakor) ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીને મળવા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેને લઈને તેઓ ભાજપમાં ભળી જવાની અટકળોએ વેગ પકડ્યો હતો. જો કે હવે બળદેવજીએ પોતે વડાપ્રધાનને મળવા ના ગયા હોવાની સ્પષ્ટતા કરી છે. આ સાથે જ મીડિયાના અહેવાલોને રદિયો આપ્યો છે.
અર્જુન મોઢવાડિયા બળદેવજી ઠાકોરને વડાપ્રધાન સુધી લઈ ગયા હતા
વડાપ્રધાન પોતાના 2 દિવસના ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે એક જમાનામાં કોંગ્રેસમાં રહી ચૂકેલા અને હાલ રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા બળદેવજી ઠાકોરને રાજભવનમાં PM મોદીને મળવા લઈ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ.
જે બાદ કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોર પક્ષપલટો કરે તેવી વાતો વહેતી થઈ હતી. જેને પગલે આજે બળદેવજી ઠાકોરે પોતે વડાપ્રધાન મોદીને મળવા ગયા હોવાની વાતને રદીયો આપીને ચોખવટ કરી છે.
હું રાહુલ ગાંધીનો બબ્બર શેર, કોંગ્રેસમાં જ રહીશઃ બળદેવજી ઠાકોર
બળદેવજી ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હું ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીને મળવા ગયા હોવાના પુરાવા હોય તો મને આપજો. હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. હું થોળ તળાવના પ્રશ્ન સંદર્ભે અર્જુન મોઢવાડિયાને મળવા ગયો હતો. હું રાહુલ ગાંધીનો બબ્બર શેર છું, કોંગ્રેસનો સૈનિક છું. હું હંમેશા કોંગ્રેસમાં જ રહેવાનો છું અને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરવાનો છું. જો કે ખોટા અહેવાલો પ્રસિદ્ધ કરીને મારી છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
