Gandhinagar News: ગાંધીનગરના નભોઇની કેનાલમાં કાર ખાબકી, ફાયર વિભાગે ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, કેનાલમાં ગરકાવ થયેલી ગાડીને રસ્સાની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 01 Jul 2025 05:59 PM (IST)Updated: Tue, 01 Jul 2025 05:59 PM (IST)
gandhinagar-news-car-falls-into-narmada-canal-near-nabhoi

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ભારે જમહેત બાદ કેનાલમાંથી કાર બહાર કાઢવામાં આવી હતી. મૃતકોમાં એક યુવતી પણ છે. બનાવની જાણ સ્થાનિક પોલીસ પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

નભોઇ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ પાસિંગની કિયો સેલ્ટોસ કાર આજે બપોરના સમયે નભોઇ નજીક નર્મદા કેનાલમાં ખાબકી હતી. કારમાં પાંચ લોકો સવાર હોવાની પ્રાથમિક વિગતો છે. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના નભોઇની કેનાલમાં બનેલી ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કિરણ દેસાઈ નામના વ્યક્તિએ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે એક ફોર વ્હીલર ગાડી કેનાલમાં પડી ગઈ છે. ગાંધીનગર ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, કેનાલમાં ગરકાવ થયેલી ગાડીને રસ્સાની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કેટલા લોકો અંદર હતા તેનો અંદાજ લગાવી શકાયો નથી. તમામ મૃતદેહોને પોલીસે સોંપી દેવામાં આવ્યા છે અને વધુ શોધખોળ ચાલુ છે.