Gandhinagar: ગાંધીનગર નજીકની મેદરા કેનાલના કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં 3 યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા બે યુવકોને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે એક યુવકનો માત્ર મૃતદેહ જ હાથ લાગ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગાંધીનગર નજીક આવેલી મેદરા કેનાલ ખાતે આજે ત્રણ મિત્રો ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેઓ કેનાલના કાંઠે ઉભા રહીને એકબીજાના ફોટા પાડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મિત્રનો પગ લપસતા તેણે સંતુલન ગુમાવતા તે કેનાલમાં ખાબક્યો હતો.
આ પણ વાંચો
આ સમયે જોડે રહેલા અન્ય બે મિત્રો બચાવવા જતાં તેઓ પણ કેનાલમાં ખાબક્યા હતા. ત્રણેય યુવકો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. આ સમયે તેમની બૂમો સાંભળીને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તેમજ તરવૈયા સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ કેનાલના ઉંડા પાણીમાં રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતુ. આ દરમિયાન ફાયર વિભાગની ટીમે બે યુવકોને હેમખેમ બહાર કાઢી લીધા છે. જ્યારે ત્રીજો યુવક કેનાલના પાણીમાં તણાઈ ગયો હતો, જેનો લાંબી શોધખોળ બાદ મૃતદેહ જ હાથ લાગ્યો હતો.
બીજી તરફ આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
