Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ઝડપથી પરિવર્તિત થઈ રહ્યું છે. ગુજરાતમાં રેલવેના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને પરિણામે રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટીના એક નવા યુગની શરૂઆત થઈ છે.
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરેન્સ 2026ના શુભારંભ બાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ 2009 થી 2014ના UPAના શાસન દરમિયાન ગુજરાતને રેલવે બજેટમાં માત્ર રૂ.589 કરોડ ફાળવવામાં આવતા હતા. તેની સરખામણીએ, વર્તમાન સરકારે આ વર્ષે ગુજરાત માટે રૂ.17,366 કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવ્યું છે. આમ બજેટમાં અનેકગણો વધારો કરીને રાજ્યના રેલવે નેટવર્કને વધુ આધુનિક બનાવવાની દિશામાં ગુજરાત અપ્રતિમ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે.
ગુજરાતમાં હાલમાં કુલ રૂ.1.28 લાખ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. રાજ્યના કુલ 87 સ્ટેશનોને 'અમૃત સ્ટેશન યોજના' અંતર્ગત વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 21 સ્ટેશનોનું કામ અત્યાર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદ, સાબરમતી, સુરત, ઉના અને સોમનાથ જેવા મહત્વના સ્ટેશનો પર અત્યંત ઝડપથી કામ ચાલી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનના નવનિર્માણ બાદ મુસાફરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
ભારતના પ્રથમ હાઈ-સ્પીડ રેલ ‘બુલેટ ટ્રેન પ્રોજેક્ટ’ની પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરતા વૈષ્ણવે જણાવાયું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષે બુલેટ ટ્રેન કાર્યરત કરવાની તૈયારીમાં છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે અમદાવાદથી મુંબઈની મુસાફરી 350 કિમી/કલાકની ઝડપે માત્ર 1 કલાક 57 મિનિટના સમયમાં પૂર્ણ થશે. તાજેતરમાં જાપાનના વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓએ ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
PM મોદીએ બુલેટ ટ્રેનના 07 નવા રૂટ માટે પણ મંજૂરી આપી દીધી છે, જે ભવિષ્યમાં દેશના અન્ય શહેરોને પણ હાઈ-સ્પીડ કનેક્ટિવિટીથી જોડશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહયોગ અને 'કર્મયોગી' અભિગમને પરિણામે રાજ્યમાં આ તમામ રેલવે પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમય કરતા પણ વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે. આમ આધુનિક રેલવે, હાઈ-સ્પીડ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ મુસાફર સુવિધાઓ સાથે ગુજરાત 'વિકસિત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવામાં અગ્રેસર રહેશે.
