Gandhinagar News: છેલ્લાં ઘણાં સમયથી શહેરમાં પ્રતિબંધિત વિસ્તારમાં લોકો દ્વારા ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે આ માટે ગુજરાત પોલીસે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની સાથે ગાંધીનગર પોલીસ દ્વારા એન્ટી ડ્રોન સિસ્ટમ જેવી અત્યાધુનિક સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી રહી છે.
મહત્ત્વનું છે કે, આ અત્યાધુનિક સિસ્ટમ અમદાવાદ સ્થિત ઇન્ફિટ્રોન એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. નોંધનીય છે કે, આ ઇન્ફિટ્રોન એડવાન્સ સિસ્ટમ્સે અગાઉ ICC ભારત પાકિસ્તાન મેચ અને ગુજરાતમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન પણ આ સુરક્ષા પૂરી પાડી હતી. ગુજરાત પોલીસે ઈન્ફિટ્રોન પાસેથી આવી સિસ્ટમ હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે જે ટૂંક સમયમાં ગુજરાત પોલીસના સુરક્ષા વર્તુળમાં જોવા મળશે. આ એન્ટી ડ્રોનની વિશેષતા એ છે કે તે કોઈપણ પ્રકારના ડ્રોનને 5 કિલોમીટરની ત્રિજ્યામાં તેનું ઓપરેટિંગ બંધ કરી દે છે.
ઇન્ફિટ્રોન એડવાન્સ્ડ સિસ્ટમ્સના CEO હિમાંશુ દવે અને સહાના સિસ્ટમ લિમિટેડના CEO ધવલ જોષી સાથેની ખાસ વાતચીત પછી જાણવા મળ્યું કે, આ એન્ટી ડ્રોન ગન લોંગ રેન્જ ડ્રોન ડિટેક્ટ કરે છે. જે 45 કિમીના અંતરથી પણ ડ્રોનને શોધી શકે છે. તો હેન્ડ હેલ્ડ ડ્રોન ડિટેક્ટર જે 2 કિમીની રેન્જમાં ડ્રોનને ડિટેક્ટ શકે છે. આ બને એન્ટી ડ્રોન ગન અદ્યતન રડાર સિસ્ટમ, આ તમામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ છે.
