Gandhinagar: અમિત શાહે વતનને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી, માણસામાં 421 બેડની હોસ્પિટલનું ખાતમુહુર્ત કર્યું

માણસામાં ડિસેમ્બર પહેલા મેડિકલ કૉલેજનું ભૂમિપૂજન થશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 04 Oct 2024 09:45 PM (IST)Updated: Fri, 04 Oct 2024 09:45 PM (IST)
gandhinagar-news-amit-shah-lay-foundation-stone-of-medical-college-in-mansa

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેમણે પોતાના વતન ગાંધીનગર જિલ્લાના માણસામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે માણસામાં રૂ. 245 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. અદ્યતન સુવિધાથી સજ્જ 425 બેડની સુવિધા ધરાવતી પેટા જિલ્લા હોસ્પિટલનું નિર્માણ બે વર્ષમાં સંપન્ન કરવામાં આવશે.

આ તકે અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી ડિસેમ્બર પહેલા માણસામાં મેડિકલ કૉલેજનું ભૂમિપૂજન કરવામાં આવશે. જેવી આ હોસ્પિટલ અડધી બની ગઈ, તે સાથે જ મેડિકલ કૉલેજ બનાવવાનું શરૂ કરી દેવામાં આવશે. માણસામાં મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ એકસાથે બનશે.

માણસા ઉપરાંત ગાંધીનગર તાલુકાના પેથાપુર ખાતે 7.72 કરોડ રુપિયાના ખર્ચે તળાવ ડેવેલોપમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે પેથાપુર તળાવનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું .

આ તળાવના નવીનીકરણની કામગીરી દરમિયાન તળાવના તળિયાનું ટ્રીટમેન્ટ કરવામાં આવ્યુ છે. જેથી તળાવમાં આવતા વરસાદી પાણીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય. સાથે સાથે વરસાદી પાણી તળાવમાં આવી શકે તે હેતુથી તળાવમાં બંને બાજુ બોક્સ કલ્વટૅ બનાવવામાં આવ્યા છે. વરસાદી પાણી કુદરતી રીતે તળાવમાં આવી શકે તે મુજબ આ બંને બોક્ષ કલ્વટૅની ડીઝાઇન તથા દિશા નક્કી કરવામાં કરાઈ છે. જેના કારણે હવે વરસાદી પાણી આજુ-બાજુના વિસ્તારમાં ભરાઈ રહેશે નહિ.

આ ઉપરાંત તળાવના પાણીના કારણે જમીન ધસી ન પડે તે માટે તળાવની ફરતે પથ્થર દ્વારા પીચીંગ તથા ઢાળની સુરક્ષા માટે સ્લોપ રીટેઇનીંગ સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યા છે.તળાવે આવતા લોકો હરી-ફરી શકે તે હેતુથી તળાવની ફરતે પાથ-વે પણ તૈયાર કરવામાં આવ્યો છે. સિનીયર સિટીજનને બેસવા માટે અલગ-અલગ જગ્યાએ ગઝીબો તેમજ બાળકોને રમવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. તેમજ તળાવની સુંદરતા વધારવા માટે અલગ-અલગ પ્રકારના વૃક્ષો, ફૂલ-છોડ તથા ઘાસની લોન દ્વારા રમણીય ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

તળાવની સુરક્ષાના હેતુસર તળાવની ચોતરફ ફેબ્રિકેશન ગ્રીલ સાથેની કમ્પાઉન્ડ વોલ, સિક્યુરીટી કેબીન તેમજ રાત્રિના સમયગાળા દરમિયાન પુરતું અજવાળું મળી રહે તે માટે ઇલેક્ટ્રિક પોલ લગાડવામાં આવેલ છે. આ ઉપરાંત તળાવના મુલાકાતીયો માટે પીવાના પાણીની તેમજ સૌચાલય અને પાર્કિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ તળાવના નવિનીકરણથી પેથાપુર ગામના લોકોને હરવા-ફરવા માટે તેમજ બાળકોને રમત-ગમત માટેની અધ્યતન સુવિધા મળી રહેશે.

આજ રીતે માણસા નગરપાલિકામાં જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 1137 લાખના ખર્ચે મલાવ તળાવના બ્યુટીફિકેશનની કામગીરીનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે.