Gandhinagar: કેન્દ્રીય મંત્રી અમિત શાહે 'કમલમ'માં બેઠક યોજી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ચર્ચા કરી

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરના 'કમલમ' ખાતે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી, જેમાં ચૂંટણી પરિણામોની સમીક્ષા અને ૨૦૨૭ની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 29 May 2026 09:51 AM (IST)Updated: Fri, 29 May 2026 09:51 AM (IST)
gandhinagar-news-amit-shah-kamalam-meeting-election-review

Gandhinagar News: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ભાજપે જંગી બહુમતીથી મોટા ભાગની સીટો પર જીત મેળવીને સત્તા હાંસિલ કરી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપને મળેલા વોટ બેન્ક અને પરિણામોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કમલમમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકર અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા.

બેઠકમાં મંત્રી અમિત શાહે ચર્ચા કરી

આ બેઠકમાં સૌએ ચૂંટણીમાં મળેલા મતોને લઈને વિચાર વિમર્શ કર્યો હતો. બેઠકમાં ગુજરાતનાં શહેરી વિસ્તારોમાં મળેલા મતોના આંકડાને લઈને લાંબી ચર્ચા ચાલી હતી. વિગતો મુજબ, કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભાજપ નેતાઓ પાસેથી એક પ્રેઝન્ટેશન બનાવડાવ્યું હતું. જેમાં વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે બૂથ મુજબ, આપ, ભાજપ અને કોંગ્રેસને કેટલા ટકા મત મળ્યાં અને તેની સામે વર્ષ 2022 ની વિધાન સભાની ચૂંટણીમાં કેટલા મત મળ્યા તેને સરખાવ્યા હતા.

મોદી સરકારના 12 વર્ષની ઉજવણીની ચર્ચા

આ આંકડાકીય ગણતરીને આધારે, કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી હોવાનું મનાય છે. તેમજ અમિત શાહે બેઠકમાં મોદી સરકારના કેન્દ્રમાં 12 વર્ષની ઉજવણી અંગે ચર્ચા કરી હતી. ભાજપ રાજ્યમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવાની તૈયારીમાં છે.

કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો

કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં ભાજપની ભવ્ય જીત બાદ સંગઠનના હોદ્દેદારો સાથે આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં અમિત શાહની હાજરીને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહની બેઠક દરમિયાન કમલમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.