Gandhinagar: દહેગામના 15000 પશુપાલકોને ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં જોડવામાં આવે: ગોપાલ ઈટાલિયા

દહેગામ તાલુકાને જો ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘ સાથે મિલ્ક હેડ એરિયામાં જોડાણ કરવામાં આવે તો પશુપાલકોને ખૂબ જ મોટો આર્થિક ફાયદો થાય તેમ છે: ગોપાલ ઈટાલિયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Mar 2026 07:05 PM (IST)Updated: Fri, 20 Mar 2026 07:05 PM (IST)
gandhinagar-news-aap-mla-gopal-italia-writes-to-jitu-vaghani-regarding-dehgam-cattle-rearers-issues
HIGHLIGHTS
  • AAPના ધારાસભ્ય ઈટાલિયાએ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો

Gandhinagar: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા દહેગામ તાલુકાના પશુપાલકોને અમદાવાદ દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડવાને બદલે તેમના પોતાના જિલ્લાના ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘ (મધુર ડેરી) સાથે જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે ધારાસભ્યએ સહકાર મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને રજૂઆત કરી છે.

પોતાના પત્રમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું છે કે, દહેગામ તાલુકામાં અંદાજિત 15000 કરતાં વધારે પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને રોજનું 60000 લિટર કરતા વધુ દૂધનું ઉત્પાદન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

દહેગામ તાલુકો સરકારી ચોપડે ગાંધીનગરમાં સમાવિષ્ટ હોવા છતાં પણ દહેગામના પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદ દૂધ ઉત્પાદક સંઘમાં જ દૂધ ભરવાના નિયમથી ફરજ પાડવામાં આવે છે અને આ બાબતોનો પશુપાલકો સખત વિરોધ કરી રહ્યા છે.

પશુપાલકોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં કિલોગ્રામ ફેટનો ભાવ રૂ. 100થી વધારે ચૂકવવામાં આવે છે, જે અમુલની હરોળનો છે. પરંતુ અમદાવાદમાં રૂ. 100થી ઓછું ચૂકવવામાં આવે છે જે સૌથી ઓછો છે.

ગાંધીનગર સંઘમાં દૂધના બિલમાં કોઈ કપાત નથી જ્યારે અમદાવાદ સંઘમાં નાની બચતના નામે એક ટકા કપાત કરે છે. ગાંધીનગર સંઘમાં પશુપાલક સભાસદને પશુ વીમાની જોગવાઈ છે, જ્યારે અમદાવાદ સંઘમાં પશુ વીમાની કોઈ જોગવાઈ નથી.

ગાંધીનગર સંઘમાં વર્ષના અંતે 15 ટકાથી વધુનો ભાવ ફેર (બોનસ) ચૂકવવામાં આવે છે, જ્યારે અમદાવાદ સંઘમાં સંઘની નાણાકીય પરિસ્થિતિ અનુસાર ઉચ્ચક સહાય આપવામાં આવે છે. ગાંધીનગર સંઘમાં કુપોષણ કપાત નથી, જ્યારે અમદાવાદ સંઘમાં ગ્રાહક દીઠ મહિને દસ રૂપિયા કાપે છે. ગાંધીનગર સંઘમાં દૂધના પૈસા જમા રાખવામાં આવતા નથી જ્યારે અમદાવાદ સંઘમાં મંડળીઓના લાખો રૂપિયા જમા રાખવામાં આવે છે.

આમ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે દહેગામ તાલુકાને જો ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘ સાથે મિલ્ક હેડ એરિયામાં જોડાણ કરવામાં આવે તો પશુપાલકોને ખૂબ જ મોટો આર્થિક ફાયદો થાય તેમ છે. આમ દહેગામ તાલુકાને ગાંધીનગર મિલ્ક હેડ એરિયામાં સામેલ કરી ગાંધીનગર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ (મધુર ડેરી) સાથે જોડવા માટે તાત્કાલિક નિર્ણય કરવા વિનંતી કરવામાં આવી છે.