Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગે પાટનગરમાં સંગઠનની મહત્વની બેઠકો યોજાઇ હતી. સંગઠનની સુદૃઢ વ્યવસ્થા, બુથ સ્તર સુધી સુચારુ સંચાલન, અસરકારક સંકલન સહિત વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના ભયમુક્ત અને વિકાસલક્ષી શાસન પર જનતાને પૂરો ભરોસો હોવાથી આ ચૂંટણીમાં પક્ષની રેકોર્ડબ્રેક જીત નક્કી છે, જ્યારે ગુજરાત વિરોધી કોંગ્રેસને લોકો ફરી એકવાર જાકારો આપશે.
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી તરુણ ચુગે આજે ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજી હતી. તરુણ ચુગે વોર્ડ 1 થી 6 અને વોર્ડ 7 થી 11 એમ બે તબક્કામાં અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તથા ત્યારબાદ ચુંટણી સંચાલન સમિતિ સાથે સંકલન બેઠક યોજી હતી. તરુણ ચુગે બેઠકમાં ચૂંટણીમાં સંગઠનની સુદૃઢ વ્યવસ્થા, બુથ સ્તર સુધી સુચારુ સંચાલન, અસરકારક સંકલન સહિત વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરી હતી.
તેમણે જણાવ્યું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડબ્રેક વિજય નિશ્ચિત છે. ભાજપા તેના પર્ફોર્મન્સના આધારે જનતા વચ્ચે જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ ઘર ઘર જનસંપર્કના માધ્યમથી જન જન સુધી પહોંચી રહ્યા છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચુંટણીમાં જનતાના આશીર્વાદ ભાજપાને ચોક્કસપણે મળશે. વિકાસ વિરોધી અને ગુજરાત વિરોધી કોંગ્રેસને જનતા ફરી એક વખત જાકારો આપશે.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ, સંજયસિંહ મહિડા, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, મહાનગરના પ્રભારી નિરવ અમીન, ધારાસભ્યઓ રીટાબેન પટેલ તથા અલ્પેશજી ઠાકોર, ચૂંટણી ઇન્ચાર્જ અમિત શાહ, સહ ઇન્ચાર્જ જતીન પટેલ સહિત અપેક્ષિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
