Gandhinagar Municipal Election 2026: ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 18 ટકા જેટલું મતદાન થયું છે. મેયર, ધારાસભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. મનપાની આ ચૂંટણીમાં 130 જેટલા ઉમેદવારો મેદાને છે. જેમના ભાવિનો ફેંસલો આજે મતપેટીમાં કેદ થવાનો છે. શહેરમાં 1.32 લાખ પુરુષો અને 1.27 લાખ મહિલા સહિત કુલ 2.59 લાખ મતાદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
સવારે 11 વાગ્યા સુધીમાં કેટલા વોર્ડમાં કેટલું થયું મતદાન
| વોર્ડ નંબર | કુલ મતદાન | 11 વાગ્યા સુધી થયેલું મતદાન | 11 વાગ્યા સુધી મતદાન(ટકાવારી) |
| વોર્ડ -1 | 17382 | 4462 | 25.67% |
| વોર્ડ -2 | 19516 | 4175 | 21.39% |
| વોર્ડ -3 | 15601 | 2847 | 18.25% |
| વોર્ડ -4 | 21156 | 5213 | 24.64% |
| વોર્ડ -5 | 13040 | 1959 | 15.02% |
| વોર્ડ -6 | 17320 | 3231 | 18.65% |
| વોર્ડ -7 | 23485 | 5347 | 22.77% |
| વોર્ડ -8 | 33927 | 4996 | 14.73% |
| વોર્ડ -9 | 30952 | 4552 | 14.71% |
| વોર્ડ -10 | 32261 | 4804 | 14.89% |
| વોર્ડ -11 | 35345 | 5848 | 16.55% |
| કુલ | 259985 | 47434 | 18.24% |
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મતદાન મથકોની લીધી મુલાકાત
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ શહેરના વિવિધ મતદાન મથકોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ સેક્ટર-૧૫ અને સેક્ટર-૧૯ ખાતે આવેલા મતદાન મથકોની ખાસ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે બૂથ પર રાખવામાં આવેલી તમામ ભૌતિક અને સુવિધાજનક વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ મુલાકાતમાં એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી પણ જોડાયા હતા.
રાજકીય અગ્રણીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય અગ્રણીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અને પૂર્વ મેયર રીટાબેન પટેલ પોતાના સમર્થકો સાથે ઢોલ-નગારાના તાલે મતદાન કરવા પહોંચ્યા હતા અને મત આપ્યો હતો. ગાંધીનગરના મેયર મીરા પટેલે પણ પોતાના બૂથ પર જઈને મતદાન કર્યું હતું અને નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. વોર્ડ નંબર 10માંથી ભાજપના ઉમેદવાર ગૌરાંગ પટેલે પણ સવારે જ મતદાન મથકે પહોંચી વોટિંગ કર્યું હતું.
વોર્ડ નંબર 6 કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વિસ્તાર છે, ત્યાં સવારથી જ લોકોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બૂથ બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી. અહીં 80 વર્ષના વૃદ્ધ કુસુમબેન ભટ્ટે મતદાન મથકે પહોંચી પોતાનો મત આપ્યો હતો અને ખાસ કરીને યુવા પેઢીને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. વોર્ડ નંબર 7માં આવેલી એમ. ડી. પ્રાથમિક સ્કૂલમાં પણ વહેલી સવારથી જ મતદારોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. જોકે, કેટલીક જગ્યાએ મતદાર યાદીને લઈને મતદારોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
કાયદો વ્યવસ્થા જળવવા 1130 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરાયા
આજે થઇ રહેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના 295 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાંથી 90 જેટલા બૂથને સંવેદશનશીલ જાહેર કરાયા છે અને આ બૂથો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 5 ચૂંટણી અધિકારી, 5 મદદનીશ ચૂંટણી અધિકારી તથા 1700 જેટલા પોલિંગ સ્ટાફને ફરજ પર મુકવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાય એ માટે 1130 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે.
મતદાન પ્રક્રિયા માટે તંત્ર તરફથી 730 BU અને 364 CU ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી છે. નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ ન પડે અને ફરિયાદોનું તુરંત નિરાકરણ આવે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવાયો છે. આ કંટ્રોલરૂમ આજે મતદાનના દિવસે તેમજ 13 ઓક્ટોબરે મતગણતરીના દિવસે પણ સતત કાર્યરત રહેશે. મતદારો ચૂંટણીને લગતી કોઈ પણ માહિતી કે ફરિયાદ માટે 07923259035 નંબર પર સીધો સંપર્ક કરી શકશે.
