Gandhinagar Municipal Election 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 11 વોર્ડના 44 ઉમેદવારો સાથે એક ખાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પક્ષના તમામ 44 ઉમેદવારો, હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરોએ એકજૂથ થઈને આવનારી ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવા અને જનસેવા કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.આ તકે ઋષિકેશ પટેલે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે, વિપક્ષને પોતાના ઉમેદવારો પર જ ભરોસો નથી.
ભાજપ ઉમેદવારોએ લીધા જનસેવાના શપથ
આગામી 11 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ચૂંટણી પૂર્વે આયોજિત આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અંગે વિગતો આપતાં ભાજપ નેતા અને રાજ્ય સરકારના કેબિનેટમંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત વિચારધારાને વરેલી સરકાર જે રીતે અત્યાર સુધી શાસન ચલાવતી આવી છે, તે જ દિશામાં અને વધુ ઝડપથી ગાંધીનગરમાં તમામ વિકાસ કાર્યો આગળ ધપાવવામાં આવશે.
આગામી 5 વર્ષ માટે સામાન્ય નાગરિકોનો ભરોસો જીતીને પ્રજાભિમુખ વહીવટ આપવાના ઉદ્દેશ્ય સાથે જ તમામ ઉમેદવારોએ આ શપથ લીધા છે અને પક્ષની આઇડીયોલોજી મુજબ આગળ વધવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. કાર્યક્રમ અંગે ટ્વીટ(X) કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છેકે, ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સમીપે આયોજિત ભારતીય જનતા પાર્ટીના 'જન સેવા સંકલ્પ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ ઊર્જાસભર રહ્યો. આ અવસરે, મહાનગરપાલિકાની પેટા ચૂંટણીના ઉમેદવારોની સાથે વિકાસ, સુશાસન અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રત્યેક નાગરિકના જીવનમાં સુખાકારી આવે પ્રગતિના સુફળ દરેકના જીવનને સ્પર્શે એ જ સાચો 'જન સેવા સંકલ્પ' છે.
કોંગ્રેસના આક્ષેપો અંગે આપ્યો જવાબ
ચૂંટણીના માહોલ વચ્ચે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ પર ઉમેદવારોને ડરાવવા-ધમકાવવાના મૂકવામાં આવેલા આક્ષેપો અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લાં આશરે 30 વર્ષથી સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગરમાં પણ પ્રજાએ ભાજપ પર અવિરત વિશ્વાસ દર્શાવ્યો છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જેવી તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જનતાએ ભાજપના શાસનને સ્વીકાર્યું છે. ગાંધીનગર શહેરમાં થયેલાં વ્યાપક વિકાસકામોના પરિણામે પ્રજાનો ભરોસો ભાજપ સાથે અકબંધ છે. ઉમેદવારોને બહાર લઈ જવાની નોબત આવવી એ સંપૂર્ણપણે કોંગ્રેસનો આંતરિક મામલો છે. વિપક્ષને પોતાના જ ઉમેદવારો પર જરાય વિશ્વાસ રહ્યો નથી. કોંગ્રેસની અંદર ચાલતું આંતરિક રાજકારણ અને અંદરોઅંદરની ખેંચતાણ જ એ માટે જવાબદાર છે, જેના કારણે તેમણે પોતાના ઉમેદવારોને સાચવવા માટે રિસોલ્ટનો સારો લેવો પડી રહ્યો છે.
