GMC Election 2026: હોલિવુડ ફિલ્મમાં એક્ટિંગ બાદ રાજકારણમાં એન્ટ્રી, લાઉડ સ્પીકર સાથે એકલા હાથે કર્યો પ્રચાર; કોણ છે કોંગ્રેસ ઉમેદવાર ધ્રુવ પટેલ?

ધ્રુવ પટેલે પર્ફોમિંગ આર્ટ્સની ડિગ્રી મેળવી છે અને વ્યવસાયે એક્ટર, સોશિયલ એક્ટિવિસ્ટ તેમજ એનિમલ વેલ્ફેર એક્ટિવિસ્ટ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 27 Sep 2026 09:19 AM (IST)Updated: Sun, 27 Sep 2026 09:19 AM (IST)
gandhinagar-municipal-election-2026-ward-9-congress-candidate-dhruv-patel-profile-hollywood-actor
Congress Candidate Dhruv Patel

GMC Election 2026, Congress Candidate Dhruv Patel: ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (GMC Election 2026) જાહેર થતાં જ રાજકીય માહોલ જામ્યો છે. 26 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. ત્યારે વોર્ડ નંબર 9 થી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા 32 વર્ષીય એક્ટર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ પટેલ ભારે ચર્ચામાં આવ્યા છે.

વોર્ડ-9 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે એન્ટ્રી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નંબર 9 માં 32 વર્ષીય ધ્રુવ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા પર અને શેરીઓમાં લાઉડ સ્પીકર લઈને એકલે હાથે પ્રચાર કરતા ધ્રુવ પટેલ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. ગુજરાતી ફિલ્મોથી લઈને હોલિવૂડ સુધી કામ કરી ચૂકેલા તેમજ જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર એવા ધ્રુવ પટેલની એન્ટ્રીથી ગાંધીનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો જાણવા માંગે છે કે ધ્રુવ પટેલ કોણ છે, તેમની ફિલ્મ જગતની સફર કેવી છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે, વાંચો આ અહેવાલમાં...

કોણ છે ધ્રુવ પટેલ અને તેમના પરિવારમાં કોણ?

કુડાસણની ઈન્દ્રધનુષ સોસાયટીમાં રહેતા ધ્રુવ પટેલનો પરિવાર અત્યંત શિક્ષિત અને સરકારી સેવાઓ સાથે જોડાયેલો રહ્યો છે. ધ્રુવ પટેલે પોતે પર્ફોમિંગ આર્ટ્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવેલી છે અને તેઓ વ્યવસાયે એક્ટર, સોશિયલ એક્ટિવિસ્ટ તેમજ એનિમલ વેલ્ફેર એક્ટિવિસ્ટ છે.

પિતા: સીતારામ પટેલ ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ (GEB) માંથી એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા છે.

માતા: દક્ષાબેન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી સરકારી નોકરી પૂર્ણ કરીને નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે.

પત્ની: ધ્રુવ પટેલના પત્ની પૂજા પટેલે B.Tech સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે.

ગુજરાતીથી લઈને હોલિવૂડ ફિલ્મ સુધીની સફર

અભિનય ક્ષેત્રે ધ્રુવ પટેલે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સોશિયલ મીડિયા પર તેમના બે લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. ધ્રુવ પટેલે હોલિવૂડ ફિલ્મ 'એક્સટ્રેક્શન' (Extraction) માં બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા સાથે ભૂમિકા ભજવી હતી. તેમણે અનુપમ ખેરની જાણીતી એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પણ પોતાનું પરફોર્મન્સ આપેલું છે. વર્ષ 2007માં જાણીતા અભિનેતા હિરેનકુમાર સાથે તેમણે ગુજરાતી ફિલ્મ સ્નેહના સગપણમાં લીડ રોલ ભજવ્યો હતો.

રાજકારણમાં પ્રવેશ અને ધ્રુવ પટેલના વિચારો

રાજકારણમાં પ્રવેશ કરવા અને કોંગ્રેસ પસંદ કરવા અંગે ધ્રુવ પટેલે સ્પષ્ટ વિગતો આપી હતી. 32 વર્ષના ધ્રુવ પટેલે જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી તેમની જિંદગીમાં ભાજપનું શાસન જ જોયું છે. અત્યાર સુધીમાં ત્રણ વખત મતદાન કરી ચૂકેલા ધ્રુવનું માનવું છે કે, ચૂંટણી સમયે મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સાવ અલગ હોય છે.

 

'પાટીદારોએ માનસિક ગુલામીમાંથી બહાર આવે'

કોંગ્રેસની વિચારસરણી અંગે વાત કરતા ધ્રુવ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસમાં વિચારસરણીની આઝાદી અને વિરોધ નોંધાવવાની પૂરતી સ્વતંત્રતા છે. પાટીદાર આંદોલન સમયનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષથી ચાલતા એકહથ્થુ શાસનમાંથી જનતાએ અને ખાસ કરીને પાટીદાર સમાજે હવે માનસિક ગુલામીમાંથી બહાર આવવું જોઈએ. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરતા હ્યુમન ડેવલપમેન્ટઅને શિક્ષણના સ્તરને ઊંચું લાવવું ખૂબ જ જરૂરી છે.

સોશિયલ મીડિયાથી કમાણી અને એનિમલ વેલ્ફેર

ધ્રુવ પટેલના રાજકારણમાં આવવાના આ નિર્ણયમાં તેમનો સમગ્ર પરિવાર પૂર્ણપણે સાથે ઊભો છે. તેમની પત્ની પૂજા પટેલે જણાવ્યું હતું કે, ઘરમાં મુક્ત વિચારોની અને નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ધ્રુવ કોઈપણ સામાન્ય નોકરી કરવાને બદલે સોશિયલ મીડિયા કન્ટેન્ટ દ્વારા પોતાની કમાણી કરે છે.ધ્રુવ સ્ટ્રીટ ડોગ્સ પ્રત્યે લગાવ ધરાવે છે અને તેમના ઘરે બે સ્ટ્રીટ ડોગ્સ પરિવારના સભ્યની જેમ રહે છે.

ધ્રુવ પટેલ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (Animal Welfare Board of India) માં પ્રતિનિધિ (Representative) તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ચૂંટણી જંગ અંગે વાત કરતાં કોંગ્રેસ ઉમેદવાર ધ્રુવ પટેલે જણાવ્યું કે, સામાન્ય નાગરિકોએ પૈસાના જોરે ચાલતા રાજકારણ સામે હાર માનવાને બદલે પોતાના વોટ પાવરને ઓળખવો પડશે, જવાબદારી સ્વીકારીને કામ કરે તેવા લોકોને ચૂંટવા પડશે.