GMC Electionc 2026: આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ઉમેદવારોનો ભારે ધસારો રહેશે; 571 ફોર્મ ઉપડ્યા, ભરાયા માત્ર 29

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પાંચમા દિવસના અંત સુધીમાં કુલ 571 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 26 Sep 2026 10:47 AM (IST)Updated: Sat, 26 Sep 2026 10:47 AM (IST)
gandhinagar-municipal-corporation-election-2026-nominations-final-day-status-bjp-congress-aap
Gandhinagar Municipal Election 2026

Gandhinagar Municipal Election 2026: ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણી 2026 માં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે 26 સપ્ટેમ્બર, શનિવારના રોજ છેલ્લો દિવસ છે. જોકે, અત્યાર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ધીમી રહી છે, અને પાંચમા દિવસના અંત સુધીમાં માત્ર 29 ઉમેદવારી ફોર્મ ભરાઈને આવ્યા છે. આજે છેલ્લા દિવસે ભાદરવી પૂનમના શુભ મુહૂર્તનો યોગ હોવાથી ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ઉમેદવારોનો ભારે ધસારો રહેવાની પૂરી શક્યતા છે.

5 દિવસમાં ફોર્મ વિતરણ અને નોંધાયેલી ઉમેદવારી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 2026 (GMC Election 2026) માટે સોમવારે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ફોર્મ વિતરણ અને જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એક તરફ રાજકીય પક્ષોમાં સેન્સ લેવાની અને ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી હતી. બીજી તરફ ચૂંટણી તંત્ર ઉમેદવારી ફોર્મ વિતરણ કરી રહ્યું હતું. પ્રથમ ચાર દિવસમાં કુલ 411 ફોર્મ ઉપડ્યા હતા, જ્યારે પાંચમા દિવસે વધુ 160 ફોર્મ ઉપડતા કુલ આંકડો 571 પર પહોંચ્યો છે.

પક્ષવાર ભરાયેલા ફોર્મની વિગત

પાર્ટીનું નામ ભરાયેલા ફોર્મની સંખ્યા
આમ આદમી પાર્ટી (AAP) 17
કોંગ્રેસ (Congress) 11
અપક્ષ ઉમેદવાર 1
ભારતીય જનતા પાર્ટી (BJP) 0
કુલ (Total) 29

અંતિમ દિવસે કચેરીમાં કેમ જોવા મળશે ભારે ધસારો?

ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને તેમના જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. ભાજપના તમામ 44 ઉમેદવારો અંતિમ દિવસે જ ફોર્મ ભરશે. શુક્રવારે સાંજે ભાજપની યાદી જાહેર થઈ હોવાથી ભાજપના તમામ ઉમેદવારો તથા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બાકી રહેલા ઉમેદવારો પણ શનિવારે જ ફોર્મ ભરવા પહોંચશે.

ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અને ભાદરવી પૂનમના શુભ મુહૂર્તમાં ઉમેદવારો અને ટેકેદારોનો મોટો જમાવડો થવાની શક્યતાને પગલે ચૂંટણી તંત્રએ બંને સ્થળો પર વિશેષ વ્યવસ્થા ઊભી કરી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાની વિગતો મુજબ વોર્ડ નંબર 1 થી 4 ના ફોર્મ જિલ્લા પંચાયત ખાતે અને વોર્ડ નંબર 5 થી 11ના ઉમેદવારી ફોર્મ કલેક્ટર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે.

મતદાર યાદીમાં ઉમેદવાર અને તેમના ટેકેદારોના નામ ઝડપથી શોધી શકાય તે માટે અલગ-અલગ ટેબલ ગોઠવવામાં આવ્યા છે. અનિચ્છનીય બનાવ ન બને અને સુચારુ કામગીરી થાય તે માટે કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત બંને કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફ, ઉમેદવાર અને તેમના અધિકૃત ટેકેદારો સિવાય અન્ય કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર સખત પ્રતિબંધ છે. તમામ ચૂંટણી અધિકારીઓની કેબિનમાં વિડીયોગ્રાફી સાથે જ ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.