Gandhinagar Mandali Garba Clash: ગાંધીનગરના સાંતેજ પાસેના ખાત્રજ-કલોલ રોડ પર નાસ્મેદ ગામની સીમમાં આયોજિત જાણીતા મંડળી ગરબા મહોત્સવમાં ગરબા સ્થળે પ્રવેશ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક યુવાનો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. પોલીસની હાજરી વચ્ચે જ બાઉન્સરો દ્વારા લાકડીઓ, સાંકળો અને ખુલ્લી તલવાર વડે હુમલો કરવામાં આવતા ગરબા પરિસરમાં ભારે દોડધામ અને ફફડાટ મચી ગયો હતો.
ઘટનાની વિગતો મુજબ, ગાંધીનગરના રાંચરડા ગામના રહેવાસી અને કેફે ચલાવતા મૌલિક રશ્મિજી ઠાકોર પોતાના નાના ભાઈ તુષાર તથા ગામના મિત્રો સાથે ગરબા જોવા ગયા હતા. ગેટ પર મોબાઈલમાંથી પાસ સ્કેન કરાવતી વખતે તૈનાત બાઉન્સરે સાથે ઉભેલા મિત્ર હિરેન પટેલને ઉતાવળ કરવા બાબતે ટકોર કરી હતી. હિરેને પોતાના મિત્રનો પાસ સ્કેન થઈ જાય બાદમાં સાથે અંદર જવાનું કહેતાં બાઉન્સર ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપવા લાગ્યો હોવાનો આરોપ છે.
આરોપ અનુસાર, મામલો શાંત પાડવા વચ્ચે પડેલા મૌલિક અને તેના ભાઈ પર પણ બાઉન્સર વરસી પડ્યો હતો. ત્યારબાદ ગેટ પર હાજર અન્ય આશરે 10 જેટલા બાઉન્સરો કમરે બાંધેલી તલવાર, લાકડીઓ અને લોખંડની સાંકળો સાથે ધસી આવ્યા અને બહાર કરાયેલું બેરિકેડિંગ તોડીને રસ્તા પર આવી હિંસક મારામારી શરૂ કરી દીધી હતી.
આ મારામારી દરમિયાન એક બાઉન્સરે મૌલિક પર તલવારનો ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૌલિક નીચે નમી જતા તલવારની મુઠ તેના માથામાં વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઉપરાંત, વચ્ચે પડેલા તેના મિત્રો લાલજી ઠાકોર, અનિલ ઠાકોર, વિવેક ઠાકોર, મેહુલ ઠાકોર અને રમેશજી ઠાકોર પર પણ તલવારની મુઠ, મ્યાન તથા સાંકળો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
પરિવાર તથા મિત્રો સાથે ગરબે રમવા આવેલા હજારો ખેલૈયાઓ આ દ્રશ્યો જોઈને ગભરાઈ ગયા હતા. ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે ખુલ્લી તલવારો લહેરાતી જોઈને મહિલાઓ અને યુવતીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને થોડા સમય માટે સમગ્ર વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું.
આ હિંસક મારામારીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ બનાવ સંદર્ભે સાંતેજ પોલીસે સિક્યોરિટી એજન્સીના બાઉન્સરો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ લોહિયાળ ઘટના બાદ પોલીસ તંત્ર અને ગરબા આયોજકોની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જોકે, આ મામલે હજુ સુધી સાંતેજ પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
