Rupal Palli Mahotsav 2026: ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ખાતે જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે પરંપરાગત પલ્લી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશ-વિદેશમાંથી અંદાજે 10 લાખથી વધુ ભાવિક ભક્તો માતાના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. આસો નોમના પવિત્ર દિવસે મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લીરથ ગામના 27 જેટલા નિશ્ચિત ચોકમાં ભ્રમણે નીકળ્યો હતો, જે સવારે 6 વાગ્યા સુધી ચાલ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતાજીની પૂજા-અર્ચના કરી
આ શોભાયાત્રા દરમિયાન ભક્તોએ મનોકામના પૂર્ણ કરવા પલ્લી પર કરોડો રૂપિયાના હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો. જેથી રૂપાલ ગામની ગલીઓ અને માર્ગો પર રીતસર ઘીની નદીઓ વહેતી હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંગલે પણ પરિવાર સાથે માતાજીના દર્શન કરી ઘી અર્પણ કર્યું હતું.
ચાવડા પરિવાર દ્વારા લોહીથી તિલક કરવાની પરંપરા
પલ્લીના પ્રસ્થાન પૂર્વે ચાવડા પરિવાર દ્વારા લોહીથી તિલક કરવાની પરંપરા નિભાવવામાં આવી હતી. દર્શન માટે આવેલી મહિલાઓ માથા પર માટલી અને દીવા સાથે જોવા મળી હતી, જ્યારે અસંખ્ય શ્રદ્ધાળુઓ મકાનોના ધાબા અને ઝાડ પર ચડીને પલ્લીના દર્શન કરતા નજરે પડ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલું ઘી કેરબા, ડબ્બાઓ અને ટ્રેક્ટરોની ટ્રોલીઓમાં એકત્ર કરીને પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું. સમગ્ર રૂપાલ ગામ આકર્ષક રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું.
સામાજિક એકતાનું ઉત્તમ પ્રતીક: રૂપાલની પલ્લી
પલ્લી એટલે માતાજી માટે લાકડાનો ઘોડા વગરનો રથ, જેને બનાવવા માટે ગામના બ્રાહ્મણ, પટેલ, સુથાર, વણકર, વાળંદ, પિંજારો, ચાવડા, માળી, કુંભાર અને વાલ્મીકિ સમાજ સહિત અઢારે આલમના લોકો એકજૂથ થઈને સેવા આપે છે. વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ લાવે છે, સુથાર ભાઈઓ રથ ઘડે છે, વાળંદ સોટા બાંધે છે, કુંભાર પાંચ કુંડા છાંદે છે, પિંજારો કપાસ પૂરે છે, માળી ફૂલહાર ચઢાવે છે અને બ્રાહ્મણ પ્રસાદ રાંધે છે.
પલ્લીની પૌરાણિક અને ઐતિહાસિક દંતકથાઓ
ત્રેતાયુગમાં પિતાની આજ્ઞાથી વનમાં ગયેલા ભગવાન શ્રીરામે શૃંગી ઋષિના આદેશથી વરદાયિની માતાજીની પૂજા કરી હતી, જેથી પ્રસન્ન થઈ માતાજીએ આપેલા દિવ્ય અસ્ત્રથી શ્રીરામે લંકાના યુદ્ધમાં રાવણનો વધ કર્યો હતો.આ ઉપરાંત પાંડવકાળમાં ગુપ્તવાસ પૂરો કરીને શસ્ત્રો લેવા આવેલા પાંડવોએ શસ્ત્રપૂજન કરીને પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી સમક્ષ મૂકી, ત્યારથી આ પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. જે ભક્તોની મનોકામના પૂરી થાય છે તેઓ પલ્લી પર ઘીનો અભિષેક કરે છે અને નવજાત બાળકોને પલ્લી સમક્ષ ટેકવી માતાજીના આશીર્વાદ મેળવે છે.
