Gandhinagar: ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટને લઈને નવા નિયમો લાગુ, જન્મના દાખલામાં હવે માતાનું નામ અને અટક લખી શકાશે

બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો બાળકના જન્મ પ્રમાણપત્રમાં તેના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Nov 2025 04:23 PM (IST)Updated: Wed, 26 Nov 2025 04:23 PM (IST)
gandhinagar-gujarat-allows-mothers-name-surname-in-birth-certificates-under-new-rules
HIGHLIGHTS
  • જન્મના દાખલામાં નામ અને અટકનો ક્રમ પણ બદલી શકાશે
  • બર્થ સર્ટિફિકેટમાં બાળકના બાયોલૉજિકલ પિતાનું નામ ફરજિયાત રાખવું પડશે

Birth Certificate New Rules: આધારકાર્ડ અને જન્મના દાખલામાં નામમાં વિસંગતતાના કારણે ઘણાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જો કે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગેની મુશ્કેલીઓ દૂર કરતો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા આ બાબતે મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે.

આ એડવાઈઝરીમાં જણાવ્યા પ્રમાણે,

માતાનું નામ અને અટક: જો કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો બાળકના જન્મ પ્રમાણપત્રમાં તેના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. (દા.ત.: બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક).

જો માતા-પિતા બંને સાથે રહેતા હોય, તેમ છતાં પણ તેઓ ઈચ્છે તો બાળકના નામ પાછળ પિતાને બદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકશે.

ખાસ બાબત એ છે કે, જન્મના દાખલામાં બાયોલૉજિકલપિતાનું નામ દૂર કરી શકાશે નહીં. જેમાં 'પિતાના નામ'ની કોલમમાં ફરજિયાતપણે પિતાનું નામ જ લખવાનું રહેશે.

આ સિવાય અત્યાર સુધી પહેલા નામ રાખવી કે અટક, જેને લઈને ખાસ કરીને વાલીઓને સૌથી વધારે મુંઝવણ થતી હતી. જો કે નવી એડવાઈઝરીમાં નામમાં મિડલ નેમ (પિતાનું નામ), અટક અને નામના ક્રમ બદલવા અંગે પણ નિયમો સરળ બનાવાયા છે:

પિતાનું નામ/અટક વૈકલ્પિક: અરજદાર હવે બાળકના નામ પાછળ મિડલ નેમ (પિતાનું નામ) અને લાસ્ટ નેમ (અટક) લખાવવાનું ટાળી શકે છે. આ બંને વિગતો હવે વૈકલ્પિક (Optional) ગણાશે. એટલે કે, દાખલામાં માત્ર 'બાળકનું નામ' જ રાખવું માન્ય રહેશે.

નામનો ક્રમ બદલવો: બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ (દા.ત.: અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવાનો ક્રમ પણ હવેથી માન્ય ગણાશે.

અલગ અટક: પિતા અને પુત્રની અટક અલગ રાખવા માટે પણ સરકારી ગેઝેટ અને અન્ય પુરાવાને આધારે સુધારો કરી શકાશે.

જન્મના દાખલામાં બીજી વાર પણ સુધારા થઈ શકશે
અગાઉ 2007ના નિયમ પ્રમાણે, જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. જો કે નવા પરિપત્ર પ્રમાણે સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને હવે ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે.

આવી જ રીતે મરણનો દાખલો મેળવવામાં પણ અગત્યનો સુધારો કરવામાં આવ્યો છે. જેમાં મૃતકના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખાવવું પણ હવેથી વૈકલ્પિક ગણાશે.

રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ એડવાઈઝરીનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.