Gandhinagar: દંતાલીમાં નજીવી બાબતે એક્સ આર્મી મેને 5 રાઉન્ડ ફાયર કર્યાં, સગીરનું મોત; 3 ઈજાગ્રસ્ત

સાંતેજ પોલીસે ફાયરિંગ કરનાર એક્સ આર્મી મેને ઝડપી પાડીને હથિયાર કબજે કર્યું. દંતાલી ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 Nov 2024 09:57 PM (IST)Updated: Fri, 08 Nov 2024 09:57 PM (IST)
gandhinagar-ex-army-man-fire-5-round-3-teenage-boy-dead-at-dantali-village
HIGHLIGHTS
  • રસ્તા પર અવર-જવર બાબતે ચાલતો હતો ડખ્ખો

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલના દંતાલી નજીક રસ્તા પર અવરજવર બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં 5 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સગીરે સારવાર દરમિયાન દમ તોડ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગરના કલોલમાં દંતાલી નજીક પૂર્વ સૈનિક રમેશ ભરવાડની પોતાના પ્લોટ નજીકના રસ્તા પર અવરજવર લઈને માથાકૂટ થઈ હતી. જેમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં રમેશ ભરવાડે પોતાની રાયફલમાંથી 5 રાઉન્ડ ફાયર કર્યાં હતા.

આ ફાયરિંગની ઘટનામાં રિન્કુ ભરવાડ નામના 15 વર્ષીય સગીરનું મોત નીપજ્યું છે. જ્યારે વિપુલ ભરવાડ, ગોપાલ ભરવાડ અને વિજય ભરવાડ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે અમદાવાદની ઝાયડાસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સાંતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે ફાયરિંગ કરનાર પૂર્વ સૈનિકને ઝડપી પાડીને તેની પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે દંતાલીમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.