ગાંધીનગરમાં 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 'આજીવન કેદ', પીડિતાને પાંચ મહિનામાં મળ્યો ન્યાય

કોર્ટે પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 30 May 2026 03:19 PM (IST)Updated: Sat, 30 May 2026 03:19 PM (IST)
gandhinagar-court-sentences-life-imprisonment-to-culprit-of-child-girl-rape-case
HIGHLIGHTS
  • ગાંધીનગર બાળકી સાથે દુષ્કર્મ કેસમાં ચુકાદો
  • નરાધમને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ

Gandhinagar girl rape case: ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત ઈન્દિરાનગર છાપરા વિસ્તારમાં એક 4 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટે દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે માત્ર સાડા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ આ જઘન્ય અપરાધના આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. 

દોષિતને 'આજીવન કેદ', પીડિતાને વળતરનો આદેશ

માત્ર 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર ગુનેગાર રામનીત દેવનંદન રામરૂપ યાદવને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે, આરોપી જેલમાં મરે પછી જ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવે. આ ઉપરાંત, ભોગ બનનાર બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

ઘરમાંથી અપહરણ કરી બાળકીનું દુષ્કર્મ આચર્યું

આ હૃદયદ્રાવક ઘટના 15 ડિસેમ્બર, 2025 ના રોજ બની હતી. આરોપીએ રાત્રિના સમયે ઘરમાં સૂતેલી 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું, અને તેને નજીકની ઝાડીઓમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ નરાધમ બાળકીને મૃત સમજીને ત્યાં જ છોડી દીધી અને ભાગી ગયો હતો.

જોકે, બાળકી જીવતી છે કે મરી ગઈ તે તપાસવા થોડીવાર પછી ગુનેગાર પાછો પણ આવ્યો હતો. બીજી તરફ, હોશમાં આવતા જ તે બાળકી હિંમતભેર લથડતા પગે પોતાના ઘરે પરિવાર પાસે પરત ફરી અને સમગ્ર હકીકત જણાવી હતી.

naidunia_image

વતનમાં ભાગે તે પહેલા આરોપીને પોલીસે દબોચ્યો 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતા આરોપીની નજર બાળકી પર પડી હતી. તેણે 10 દિવસ અગાઉ આ કૃત્ય માટે પ્લાન બનાવીને બાળકીની રેકી કરી હતી. ગુનો આચરીને તે પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી માત્ર 5 જ દિવસમાં તેને ઝડપી લીધો હતો.

પોલીસ પર હુમલો કરતા પોલીસે કર્યું હતું ફાયરિંગ

ધરપકડ બાદ જ્યારે પોલીસના રી-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ પરિસ્થિતિમાં પોલીસે પોતાના આત્મરક્ષણ અને નરાધમને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને રિમાન્ડ પર લેવાયો હતો.

13 દિવસની રાત-દિવસની મહેનત અંતે રંગ લાવી

આ અંગે ગાંધીનગરના SP રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, અલગ-અલગ એજન્સીઓના સંકલન અને FSL ટીમની મદદથી પોલીસે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. માસૂમને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસે રાત-દિવસ એક કરીને માત્ર 13 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરી દીધી હતી. પોલીસની ઝડપી કામગીરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદાથી સમાજમાં કડક દાખલો બેઠો છે.