ગાંધીનગર: યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી, ઘરમાં પાંચ દિવસ મૃતદેહ પડ્યો રહ્યો

ગાંધીનગરના કુડાસણમાં 42 વર્ષીય યુવાનની શેરબજારમાં નોકરી જતી રહેતા ઘરે જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 29 May 2026 12:32 PM (IST)Updated: Fri, 29 May 2026 12:34 PM (IST)
gandhinagar-news-kudasan-man-suicide-stock-market-debt-infocity-police

Gandhinagar News: ગાંધીનગરના કુડાસણમાં આપઘાતની ચૌંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 42 વર્ષીય યુવાનની શેરબજારમાં નોકરી જતી રહેતા ઘરે જ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું છે. પાંચ દિવસ સુધી મૃતદેહ ઘરમાં પડ્યા પડ્યા ફૂલાઈ જઈને કાળો અને ડરામણો બની ગયો હતો. યુવકે પરિવારની સુરક્ષા ધ્યાને રાખીને ચેતવણી લખીને ચિઠ્ઠી ઘર બહાર ચોંટાડી જેમાં લખ્યું કે, બેટા અંદર ન આવતી, પાણી ન પીતી, ઘરમાં ઝેરી દવા હોવાથી માસ્ક પહેરવું.

યુવકની નોકરી છૂટી જતા બેરોજગાર

મળતી વિગતો મુજબ, મુંબઈના અને હાલ ગાંધીનગર ખાતે રહેતા પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલી ઈન્ફોસિટીમાં સ્ટોક માર્કેટની કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ પાંચ મહિનાથી યુવકે નોકરી છૂટી જતા શેરબજારમાં મોટું દેવું થઈ ગયું હતું. આથી આર્થિક સંકડામણ અને માનસિક તણાવમાં યુવક રહેતો હતો. યુવકની પત્ની અને બાળકી ગઈ 13 મેના રોજ પિયરમાં ગયા હતા.

ઝેરી દવા પીને આપઘાત કર્યો

પત્નીના પિયર ગયા પછી યુવક સાથે 22 મે ના રોજ છેલ્લી વખત વાતચીત થઈ હતી. ત્યાર પછી યુવકનો ફોન સતત બંધ બંધ આવતા પત્નીને કંઈ અઘટિત બન્યાની શંકા ગઈ. તેથી મહિલા પોતાની દિકરી સાથે પંકજભાઈના ભાઈના પરિવાર પાસે ગયા. યુવકે આપઘાત કરતા પોતાનો પરિવાર સુરક્ષિત રહે માટે ઘરના મેઈન દરવાજાની બહાર કાગળમાં ચેતવણી લખીને ચોટાડી દીધી હતી.

ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધ્યો

પરિવારે ઘરે જઈને જેવો દરવાજો ખોલ્યો ત્યાં યુવકનો મૃતદેહ જમીન પર પડેલો દેખાયો હતો. યુવકનો ચહેરો ઝેરી દવાના લીધે કાળો પડી ગયો હતો. ઘટના સ્થળેથી સેલફોસ નામની ઝેરી દવા મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઈન્ફોસિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડીને વધુની કાર્યવાહી હાથ ધરી છે.