Gandhinagar Car Accident: ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી મહારાજા હોટેલ નજીક દશેરાની વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત કારમાં અમદાવાદના ચાર મિત્રો સવાર હતા, તેઓ ગાંધીનગરમાં ગરબા રમીને વહેલી સવારે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ બનાવમાં ત્રણ લોકોના મોત થયા છે.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ગાંધીનગરમાં ગરબા રમીને વહેલી સવારે અમદાવાદ પરત ફરી રહેલા ચાર મિત્રોની હુન્ડાઈ વરના કાર (GJ 01 KW 5647) પૂરપાટ ઝડપે જઈ રહી હતી. ત્યારે કારચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારના ફૂરચાં ઉડી ગયા અને કારમાં સવાર પૈકી એક યુવક તથા એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત બનતા જ આસપાસના રાહદારીઓ અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અન્ય એક યુવક અને યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની કે.ડી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન બીજી યુવતીનું પણ મોત થતાં અકસ્માતમાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. ચોથા યુવકની શારીરિક સ્થિતિ પણ અત્યંત નાજુક હોવાથી તેને ડૉક્ટરોની સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, KD હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવનાર 25 વર્ષીય યુવતીની ઓળખ આસ્થા તરીકે થઈ છે, જે મૂળ રાજકોટની વતની હતી અને અમદાવાદની હોસ્ટેલમાં રહીને MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અડાલજ પોલીસ સ્ટેશનના PI એસ. જી. દેસાઈના જણાવ્યા અનુસાર, ગરબા રમીને અમદાવાદ પરત ફરી રહેલા આ યુવાનોની કાર પલટી મારી જતાં આ અકસ્માત બન્યો હતો. અન્ય મૃતકોની ઓળખ કરવા માટે પોલીસે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
