Gandhinagar: ગુજરાત સરકારના 2001માં નિવૃત થયેલા પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) ની પુત્રીનું હડકવાના કારણે અવસાન થયું છે. મૃતક મહિલા ગાંધીનગરની એક પ્રતિષ્ઠિત શાળા સાથે સંકળાયેલા હતા. ચાર મહિના પૂર્વે શ્વાન કરડવાની ઘટનાને સામાન્ય ગણી રસી ન લેવાની બેદરકારી અંતે જીવલેણ સાબિત થઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આશરે ચાર મહિના પહેલા મહિલા જ્યારે પોતાની શાળાના જ એક સ્ટાફ મેમ્બરના 'બીગલ' બ્રીડના શ્વાનને રમાડી રહ્યા હતા, ત્યારે તે તેમને કરડ્યું હતું. મહિલાના પોતાના ઘરે પણ પાલતુ શ્વાન હોવાથી તેમણે આ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી અને રેબીઝ વિરોધી રસી (Anti-Rabies Vaccine) લેવાનું ટાળ્યું હતું.
શ્વાનના મોત બાદ શાળાએ આપી હતી ચેતવણી
ગત 17 ઓક્ટોબર 2025ના રોજ જે શ્વાન કરડ્યું હતું, તેનું હડકવાના લક્ષણો સાથે મોત થયું હતું. આ ઘટના બાદ શાળા પ્રશાસને તુરંત જ સ્ટાફ અને વાલીઓ માટે એડવાઈઝરી જાહેર કરી હતી કે જે કોઈ પણ વ્યક્તિ આ શ્વાનના સંપર્કમાં આવી હોય તેઓ તાત્કાલિક રસી મુકાવી લે. શાળાએ રસીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી હતી, તેમ છતાં મહિલાએ રસી લીધી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
19 દિવસની સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા
ડિસેમ્બરના અંતમાં મહિલામાં હડકવાના લક્ષણો જણાતા તેમને ૩૦મી ડિસેમ્બરે અમદાવાદના ભાટ સર્કલ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 19 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ૧૭મી જાન્યુઆરીએ સવારે તેમનું કરૂણ અવસાન થયું હતું.
ખાસ પ્રોટેક્શન સાથે અંતિમ સંસ્કાર
હડકવા એક અત્યંત ચેપી વાયરલ રોગ હોવાથી, તબીબી પ્રોટોકોલ મુજબ મૃતદેહને સંપૂર્ણ પેક કરીને ગાંધીનગર સેક્ટર-૩૦ સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યો હતો. સ્મશાનગૃહના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેપ ફેલાવવાનો ભય હોવાથી મૃતદેહને ખોલ્યા વિના જ ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આરોગ્ય નિષ્ણાતોની સલાહ
આરોગ્ય વિભાગના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે હડકવા (હાઇડ્રોફોબિયા) એ લગભગ 100% જીવલેણ રોગ છે.
- કેવી રીતે ફેલાય છે? સંક્રમિત પ્રાણીની લાળ દ્વારા, કરડવાથી અથવા નખ વાગવાથી.
- સાવચેતી: પાલતુ હોય કે રખડતું, કોઈ પણ પ્રાણી કરડે ત્યારે વિલંબ કર્યા વિના રસીનો સંપૂર્ણ કોર્સ લેવો અનિવાર્ય છે.
- લક્ષણો: પાણીથી ડર લાગવો (હાઇડ્રોફોબિયા), લાળ પડવી, મૂંઝવણ અને પેરાલિસિસ.
