Dinesh Bambhaniya on Reservation Hatao Andolan, રાજેન્દ્રસિંહ પરમાર: સોશિયલ મીડિયા પર ચાલી રહેલા રિઝર્વેશન હટાવો આંદોલન (Reservation Hatao Andolan) અને આરક્ષણમાં નીતિગત સુધારા માટે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ગુજરાતના પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ Gujarati Jagran સાથેની ખાસ વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું કે, અનામતની વર્તમાન સ્થિતિ અને નીતિઓ પર સમયાંતરે પુનઃસમીક્ષા થવી અત્યંત જરૂરી છે.
સોશિયલ મીડિયા આંદોલન અને યુવા વિચારો
અનામત અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર પોતાનો પક્ષ રજૂ કરતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, "અનામત હટાવવા બાબતે ચાલી રહેલું આંદોલન એ કોઈ એક વ્યક્તિ દ્વારા મૂકાયેલો વિચાર છે, જેમાં સમગ્ર ભારતમાંથી લોકો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. આ કેમ્પેન પાછળ કોઈનો રાજકીય દોરી સંચાર છે કે નહીં તે તો સમય જતા ખબર પડશે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલું આ એક અભિયાન છે."
અનામતની દર 10 વર્ષે પુનઃસમીક્ષા કરવા માંગ
અનામત નીતિની પુનઃસમીક્ષા બાબતે પોતાનું સમર્થન જાહેર કરતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના સપનાને પરિપૂર્ણ કરવા માટે દરેક અનામત નીતિની દર 10 વર્ષે પુનઃસમીક્ષા થવી જોઈએ. વર્તમાન સમયમાં જે અનામત વ્યવસ્થા ચાલી રહી છે તેમાં સુધારાની તાતી જરૂરિયાત છે.

તંત્ર અને સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે, કોઈપણ કેટેગરીમાં આવતા યુવાનો માટે આર્થિક ધારાધોરણ મુજબ અનામત આપવામાં આવે અને આર્થિક રીતે નબળા વર્ગને (EWS) ખાસ પ્રાથમિકતા આપવામાં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું કે, "જે બાબત સાચી છે, ત્યાં અમે હંમેશા સમર્થન આપીશું."
બિન અનામત આયોગ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો
ગુજરાતમાં બિન અનામત આયોગની કામગીરી સંદર્ભે પણ સરકાર સાથે બેઠક કરી હોવાનો દિનેશ બાંભણિયાએ ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને લોન મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓના કાયમી સમાધાન માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.
દિનેશ બાંભણિયાએ ઉમેર્યું કે, અનામત વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને અત્યાર સુધી જે લોકોને તેના વાસ્તવિક લાભો નથી મળી શક્યા, તે તમામ પાસાંઓ પર ગંભીર વિચારણા થવી જોઈએ. બિન અનામત જ્ઞાતિઓમાં વસતા ગરીબ લોકોને કોઈપણ પ્રકારનો લાભ મળતો નથી તે બાબતે પણ સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.
